કાશ્મીરી પ્રજાને આંદોલન માટે ઉશ્કેરતા નેતાઓના સંતાનો વૈભવી અને સુરક્ષિત જીવન જીવી રહ્યા છે

Friday 22nd July 2016 06:53 EDT
 
 

જમ્મુઃ કાશ્મીરી યુવાનોને રમખાણો તરફ વાળનારા, તેમની કરિયર બરબાદ કરનાર અને તેમને ઉપદ્રવી બનાવનાર અલગતાવાદી નેતાઓએ તેમનાં ખુદના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે કાશ્મીરથી ક્યાંય દૂર સુરક્ષિત જગ્યાએ મોકલી આપ્યા છે. જાણીને નવાઈ લાગે પણ કાશ્મીરમાં બળવો કરનારા કે બળવો કરવા પ્રેરણા આપનારા મોટા ભાગના નેતાઓના સંતાનો વૈભવી અને સુરક્ષિત જીવન જીવી રહ્યાં છે. કેટલાકના કુટુંબો અને ફરજંદો અમેરિકા, કેનેડા, કે બ્રિટનમાં ભણે છે તો કેટલાકના, ભારતના જ મેટ્રોસિટી કે મેગા સિટીઝ દિલ્હી, મુંબઇ, બેંગ્લૂરુમાં ઉચ્ચ શિક્ષણ લઇ રહ્યા છે. કેટલાક નેતાઓના સંતાનો તો કાશ્મીરથી દૂર કોઈ શહેરમાં સારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર છે. સવાલ એ થાય કે કાશ્મીર માટે લડી રહ્યાં હોવાના બણગાં ફૂંકનારા આ નેતાઓ ‘કાશ્મીર આપણું છે... એ લઈને રહીશું’ અને ‘જેહાદમાં જોડાવ’ના નામે બીજાના સંતાનોને શા માટે હાથમાં બંદૂક પકડાવી રહ્યા છે?
અલગતાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના સ્થાપપકોમાંના એક અને એક સમયે જેમનું આતંકવાદીઓની યાદીમાં લખાતું હતું તે હાશિમ કુરેશીના પુત્ર જુનૈદ કુરેશીએ આ સવાલ ઉઠાવ્યો છે.
ભારત-પાકિસ્તાનના માહોલ અને આતંકી ઘટનાઓની ઘટમાળથી જેઓ વાકેફ છે તેમને યાદ હશે કે આ જ હાશિમ કુરેશીએ ૧૯૭૧ની ૩૦ જાન્યુઆરીએ ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટનું અપહરણ કર્યું હતું અને ફ્લાઈટ પાકિસ્તાનના લાહોરમાં લેન્ડ કરાવી હતી. થોડાક મુસાફરોને ત્યાં છોડી મુકાયા હતા અને પછી ફ્લાઈટને આગ ચાંપી દેવામાં આવી હતી.
આ ઘટના પછી કુરેશીના હૈયે અલ્લાહ વસ્યા કે શું? પરંતુ આ બનાવ પછી તેણે આતંકવાદને જીવનમાંથી જાકારો આપ્યો. પોતે આતંકવાદથી દૂર રહેવા લાગ્યો. આ જ કુરેશીના દીકરા જુનૈદે કાશ્મીરી યુવાનોને પોતાનું દિમાગ દોડાવીને અલગતાવાદી નેતાઓને પ્રશ્ન કરવા કહ્યું છે કે, બીજાના દીકરાઓના હાથમાં આસાનીથી હથિયારો આપી દેતા આ નેતાઓ પોતાના સંતાનોને કેમ કાશ્મીરમાંથી બહાર મોકલી દે છે.
જુનૈદ કાશ્મીરી નેતાઓના નામ ગણાવતાં કહે છે કે, આવું કાશ્મીરના લગભગ બધા અલગતાવાદી નેતાઓએ કર્યું છે. તહરિક-એ-હુર્રિયતના સઈદ અલી શાહ ગિલાની, હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સઈદ સલાઉદ્દીન કે પછી દુખ્તરાન-એ-મિલ્લતની આશિયા અંદ્રાબી... આ બધાના સંતાનો શાંતિ અને એશની જિંદગી જીવી રહ્યા છે. આ નેતાઓના ફરજંદોએ ક્યારેય કોઇ વિરોધ પ્રદર્શન કે બળવામાં ભાગ લીધો જ નથી. આ લોકો કદી ‘શહિદી’ વહોરતા નથી કે આતંકવાદી પણ નથી બનતા. અત્યારે ચાલતા આતંકથી લઈને છેલ્લા ૨૬ વર્ષનો ઇતિહાસ જ જોઈ લો કોઈ અલગતાવાદી નેતાના સંતાનોએ કાશ્મીરના ખરાબ સમયમાં પોતાનાં બાળકોને પોતાનો વારસો નથી સોંપ્યો કે કોઈના સંતાનોએ પણ વારસો લીધો પણ નથી.

ભાગલાવાદીઓ પોતાના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર બનાવી રહ્યા છે

• યાસિન મલિક (જેકેએલએફ)

અન્ય મહિલાઓ માટે ઇસ્લામિક ડ્રેસ કોડ પરંતુ પત્ની માટે નહીં. ૨૦૧૫માં મલિક અને તેની પત્ની મુશહાલાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બન્ને ટ્રેન્ડી આઉટફિટમાં જોવા મળતા હતા જ્યારે મલિક કાશ્મીરી મુસ્લિમ મહિલાઓ માટે ઇસ્લામિક ડ્રેસ કોડનું સમર્થન કરે છે. પાકિસ્તાની યુવતી મુશહાલા હુસૈન સાથે ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં. મુશહાલા ન્યૂડ પેઇન્ટિંગ્સની ચિત્રકાર છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. પિતા એમ. એ. હુસૈન પાકિસ્તાનમાં જાણીતા અર્થશાસ્ત્રી છે. માતા પાકિસ્તાની મુસ્લિમ લીગની મહિલા વિંગના વડા છે.

• સૈય્યદ અલી શાહ ગિલાની (હુર્રિયત કોન્ફરન્સનો વડો)

પૌત્રે કહ્યું અમારું કરિયર બરબાદ થઈ રહ્યું છે તો હડતાલ પાછી લીધી. વાત ૨૦૧૦ની છે. તે સમયે ગિલાની સહિતના અલગતાવાદીઓએ લાંબા સમય સુધી કાશ્મીર બંધ કરાવ્યું હતું. કાશ્મીર નેતાઓ સાથે તોફાનો પણ કરાવતાં હતા. પરંતુ જ્યારે તેના પૌત્રે કહ્યું કે આનાથી અમારી કરિયર અટકી પડી છે કે તરત જ દાદાએ હડતાલ પાછી લીધી.
ગિલાનીનો મોટો દીકરો નઇમ અને વહુ બઝિયા પાકિસ્તાનના રાવલપિંડીમાં ડોક્ટર તરીકે કાર્યરત છે. જ્યારે નાનો દીકરો ઝહૂર પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. પૌત્ર ઇઝહાર દિલ્હીમાં એક પ્રાઇવેટ એરલાઇન કંપનીમાં જોબ કરે છે. દીકરી ફરહત જેદ્દાહમાં રહે છે અને તે ટીચર છે. તેનો ભાઈ ગુલામ નવી લંડનમાં સ્થાયી થયો છે.

• આસિયા અંદ્રાબી (દુખ્તરાન-એ-મિલ્લતનાં નેતા)

જ્યારે આતંકી મર્યો ત્યારે તેનો પુત્ર મલેશિયામાં ફરી રહ્યો હતો. તમને જાણીને નવાઇ લાગશે કે ઓગસ્ટ ૨૦૧૫માં આસિયા જ્યારે અથડામણમાં માર્યા ગયેલા એક આતંકીને શ્રદ્ધાંજલિ આપી રહી હતી ત્યારે તેનો દીકરો કાસિમ મલેશિયામાં મિત્રો સાથે ફરી રહ્યો હતો. આસિયા અંદ્રાબીને બે દીકરા છે. મોટો દીકરો મોહમ્મદ બિન કાસિમ તેના માસી સાથે મલેશિયામાં રહે છે. તેના માસી મલેશિયામાં જ નોકરી કરે છે. મોહમ્મદ બેચલર ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો કોર્સ કરે છે. નાનો દીકરો શ્રીનગરમાં અભ્યાસ કરે છે. એક ભત્રીજો પાકિસ્તાન સેનામાં કેપ્ટન જ્યારે બીજો ઇસ્લામાબાદ યુનિવર્સિટીમાં નોકરી કરે છે.

• સૈયદ સલાઉદ્દીન (હિઝબુલ મુજાહિદ્દીનનો વડો)

પોતે પાકિસ્તાનમાં છે, પણ સંતાનો કાશ્મીરમાં સરકારી નોકરી કરે છે - આ કહાની છે સલાઉદ્દીનની. પાકિસ્તાનમાં સુરક્ષિત ઘરમાં વસતા સલાઉદ્દીનના પાંચ બાળકો છે. મોટો દીકરો શકીલ યુસુફ શ્રીનગરની હોસ્પિટલમાં સહાયક છે. બીજો જાવેદ યુસુફ શિક્ષા વિભાગમાં, શાહિદ યુસુફ કૃષિ વિભાગમાં. વાહિદ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ડોક્ટર છે. સૌથી નાનો દીકરો માજીદ યુસુફ માસ્ટર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ કરી રહ્યો છે.

• મીરવાઇઝ ઉમર ફારુક (હુર્રિયત નેતા)

અમેરિકી મૂળની મુસ્લિમ શીબા મસદી સાથે લગ્ન કર્યાં છે. એક પુત્રી છે, જે માતા સાથે અમેરિકામાં જ વસવાટ કરે છે. મીરવાઇઝની બહેન રાબિયા ફારુક અમેરિકામાં ડોક્ટર છે.

• મોહમ્મદ અશરફ સહરાઈ (હુર્રિયત નેતા)

એક સમયે હુર્રિયત નેતા સૈય્યદ અલી શાહ ગિલાનીનો અનુગામી ગણાતા મોહમ્મદ અશરફ સહરાઇનો પુત્ર આબિદ દુબઈમાં કમ્પ્યુટર એન્જિનિયર છે.

• ગુલાબ મોહમ્મદ સુમજી (હુર્રિયત નેતા)

ગુલામ મોહમ્મદ સુમજીનો પુત્ર જુગનુ દિલ્હીમાં અભ્યાસ કરી રહ્યો છે. તેને નાની વયે જ દિલ્હીમાં મોકલી દેવામાં આવ્યો છે. સંબંધીઓ પાસે રહીને અભ્યાસ કરી રહ્યો છે.

• ફરિદા (દુખ્તરાન-એ-મિલ્લતનાં નેતા)

કાશ્મીરમાં લાંબા સમયથી સક્રિય મહિલા ભાગલાવાદી નેતા ફરિદાનો પુત્ર રુમા મકબૂલ સાઉથ આફ્રિકામાં ડોક્ટર છે. ૨૦૧૪ની ચૂંટણીઓ વેળા ફરિદાની ધરપકડ કરવામાં આવી હતી.

• મસરત આલમ (હુર્રિયત નેતા)

મસરત આલમને બે પુત્ર છે. બન્ને નાની વયના છે. બન્ને શ્રીનગરની જ એક સ્કૂલમાં ભણે છે. મસરત આલમ ૨૦૦૮-૧૦માં વિરોધ પ્રદર્શનોનો માસ્ટર માઇન્ડ રહ્યો છે.

• અય્યાઝ અકબર (હુર્રિયત નેતા) 

સૈયદ અલી શાહ ગિલાની જૂથનો પ્રવક્તા અયાઝ અકબરનો પુત્ર સરવર યાકૂબ પૂણેમાં રહીને મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter