કાશ્મીરમાં કબજેદારોના સકંજામાંથી રૂ. એક લાખ કરોડની સંપત્તિ મુક્ત

Saturday 04th March 2023 05:43 EST
 
 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં દબાણવિરોધી અભિયાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. આ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટા પાયે જમીન અને અન્ય સંપત્તિઓ ખાલી કરાવાઇ છે. કબજેદારો પાસેથી એક લાખ કરોડ રૂપિયાની સંપત્તિ મુક્ત કરાવાઇ છે.
અધિકારીઓએ કહ્યું છે કે મોટા પાયે હાથ ધરવામાં આવેલા અભિયાનમાં આશરે બે લાખ એકર જમીન મુક્ત કરાવાઇ છે. જમ્મુમાં એક લાખ એકરથી વધુ જમીન મુક્ત કરાવાઇ છે. જ્યારે કાશ્મીરમાં આશરે 90 હજાર એકર જમીન પર દબાણ કરી ચૂકેલા લોકોના સકંજામાંથી મુક્ત કરાવાઇ છે.
આ પહેલાં પણ દબાણવિરોધી અભિયાન ચલાવાયાં હતાં. જોકે આ અભિયાન સામાન્ય રીતે રાજકીય રીતે પ્રેરિત હતા. પહેલાં આવાં અભિયાન શરૂ થયા બાદ થોડાક દિવસમાં જ બંધ થઇ જતાં હતાં. આ વખતે આ એક ઐતિહાસિક અભિયાન છે. આટલા મોટા પાયે જાહેર સંપત્તિને પહેલી વખત મુક્ત કરાવાઇ છે. જ્યાં સુધી ગેરકાયદે કબજામાં રહેલી સંપત્તિઓને સંપૂર્ણ રીતે મુક્ત કરાવાશે નહીં ત્યાં સુધી આ અભિયાન જારી રહેશે.
રાજકીય નેતાઓનો કબજો હતો
એવું પણ જાણવા મળ્યું છે કે નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય અલ્તાફ કાલુએ જમીન મહેસૂલી રેકોર્ડની સાથે ચેડાં કરીને જમીન મેળવી હતી. તેઓએ આશરે 13 એકર સરકારી જમીન પર કબજો કરી લીધો હતો. આની સાથે જ આ જમીન દક્ષિણ કાશ્મીરના અશ્મુકામમાં સેનાને ભાડે આપી દીધી હતી. નેશનલ કોન્ફરન્સના નેતા અલી એમ સાગર, પૂર્વ ધારાસભ્ય ગુલામ હસન ખાન, પૂર્વ નાણામંત્રી ડો. હસીબ દ્રાબૂ , પ્લાહીના પૂર્વ ધારાસભ્ય પ્રેમસાગર અઝીઝ, કઠુઆ જિલ્લાના વિકાસ પરિષદના અધ્યક્ષ કર્નલ (નિવૃત) મોહનસિંહ, ધારાસભ્ય માજિદ લારમી, કોંગ્રેસના પીરજાદા મોહમ્મદ સઇદ અને અન્ય સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter