શ્રીનગરઃ રમઝાન મહિનામાં કાશ્મીરમાં સરકારે જાહેર કરેલા યુદ્ધવિરામ વચ્ચે પણ શોપિયાંમાં ત્રાસવાદીઓએ સોમવારે સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસના ૮ જવાનો સહિત ૨૩ લોકોને ઇજા પહોંચી છે. બટપોરા પાસે શોપિયાં પોલીસ મથકના પોલીસ વાન પર ભર બજાર વચ્ચે આ હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્તોને તાકિદે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. છેલ્લા પાંચ દિવસમાં શોપિયામાં થયેલો આ ૧૧મો હુમલો હતો. આ હુમલો જૈશ-એ-મોહમંદ તરફથી કરાઇ રહ્યા છે. અગાઉ ત્રીજીએ પાકિસ્તાન દ્વારા ભારતની ૧૦ ચોકીઓને નિશાન બનાવી હતી. જેમાં બીએસએફનાં બે જવાન શહીદ થયા હતા. કાશ્મીરમાં સીઆરપીએફના વાહનની ટક્કરને કારણે માર્યા ગયેલા પથ્થરબાજ કૈસર અમીનના સંબંધીઓએ હુરિયતના નેતાઓ સામે સવાલ ઊભો કર્યો છે. તેમણે હુરિયતના નેતા સૈયદ અલી શાહ ગિલાનીને પાખંડી જણાવી કહ્યું કે તેઓ યુવાનોને ગેરમાર્ગે દોરી પોતાની રાજનીતિ કરી રહ્યા છે.