પુલવામા: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી તત્વોએ માઝા મૂકી છે. મંગળવારે સાંજે ગણતરીના ચાર જ કલાકમાં છ સ્થળોને નિશાન બનાવીને તેમણે ગ્રેનેડ વડે હુમલા કર્યા હતા. આતંકીઓનું મુખ્ય નિશાન સીઆરપીએફ કેમ્પ અને પોલીસ સ્ટેશન હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો અલ-ઉમર મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
આતંકીઓએ મંગળવારે સાંજે પહેલો હુમલો પુલવામાસ્થિત સીઆરપીએફની ૧૮૦મી બટાલિયનના કેમ્પને નિશાન બનાવીને કર્યો હતો. હુમલામાં ૯ જવાનો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ પછી આતંકીઓએ નજીકના ત્રાલમાં આવેલા સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા. આતંકીઓને શોધવા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
૩૯ કલાકમાં છ વાર યુદ્ધવિરામ ભંગ
બીજી તરફ પાકિસ્તાને કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ભારતીય ચોકી ઉપર બેફામ ગોળીબાર કરીને ૩૬ કલાકમાં છઠ્ઠી વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.