નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદી સંગઠન જમાત એ ઇસ્લામી પર કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ છેલ્લા ૩ દિવસમાં સંગઠનના નેતાઓ સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલીએ જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ લાદ્યા પછી બીજીએ જમાત એ ઇસ્લામીના નેતાઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. જમાત એ ઇસ્લામીના નેતાઓની મોટી સંખ્યામાં ધરપકડ કરાઈ છે. આ તમામ નેતાઓ સામે અનલોફિલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ અંતર્ગત કાર્યવાહી ચાલી રહી છે. શ્રીનગરમાં જ સંગઠનની ૭૦થી વધુ સંપત્તિની ઓળખ કરાઈ છે, તે ઉપરાંત બેન્ક ખાતાં સીલ કરાયાં છે. શ્રીનગર બાદ કાશ્મીરના કિશ્તવાડમાં પણ જમાત એ ઇસ્લામીના મોટા નેતાઓની ધરપકડ કરાઈ છે.
જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ૨૮મી ફેબ્રુઆરીએ એક જાહેરનામું જારી કરી જમાત એ ઇસ્લામી પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. સરકારે જાહેરનામામાં જણાવ્યું હતું કે, જમાત એ ઇસ્લામી સંગઠન દેશની આંતરિક સુરક્ષા અને લોકશાહીને જોખમરૂપ એવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હતું, તેથી કેન્દ્ર સરકાર જમાત એ ઇસ્લામીને કાયદાવિરોધી સંગઠન જાહેર કરે છે.
પહેલીએ કરાયેલી કાર્યવાહીમાં અબદુલ હામિદ ફયાઝ, જાહિદઅલી, મદસ્સિર અહમદ અને ગુલામ કાદિર જેવા જમાત એ ઇસ્લામીના મોટા નેતાઓની ધરપકડ કરાઈ હતી, તે ઉપરાંત દક્ષિણ કાશ્મીરના ત્રાલ, બડગામ અને અનંતનાગમાંથી પણ જમાતના સંખ્યાબંધ નેતાઓની ધરપકડ કરાઈ છે.
જમાત એ ઇસ્લામી
૧૯૪૫માં જમાત એ ઇસ્લામી હિંદના સભ્ય તરીકે જમાત એ ઇસ્લામી જમ્મુ-કાશ્મીરની રચના કરાઈ હતી. ૧૯૫૩માં પોતાનાં મૂળ સંગઠન સાથે રાજકીય વિચારધારામાં મતભેદને કારણે છેડો ફાડી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સરગણા સૈયદ સલાહુદ્દીન જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવી દેવાની વકીલાત કરી રહ્યા છે.