શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે એક અભૂતપૂર્વ પગલું ભરતાં લેન્ડ લીઝ રુલ્સ 2022ને લાગુ કર્યો છે. આ કાનૂની જોગવાઇને લાગુ કરીને તંત્રે લગભગ 20 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીવાળી લીઝને રદ કરી છે. સાથે સાથે જ જમ્મુ-કાશ્મીરના વગદાર રાજકીય પરિવારના વડા ફારુખ અબ્દુલ્લા, અન્ય પાર્ટીના નેતાઓ, વગદાર લોકો અને નાના-મોટા વેપારીઓને તરત જ જમીન ખાલી કરવાનો આદેશ અપાયો છે.
વહીવટી તંત્રના આ આદેશની સૌથી વધુ અસ૨ ગુલમર્ગની હોટેલ્સ-રિસોર્ટ પર પડવાની આશંકા છે. અહીંના 59માંથી 58 હોટલ-રિસોર્ટને તાળાં લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓના અને તેમના હમદર્દીઓએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને લીઝ પર જમીન પચાવી પાડી હતી. લીઝધારકોને ખૂબ જ ઓછી કિંમતે જમીન મળી હતી. હવે આ લીઝની ઓનલાઇન હરાજી થશે અને સરકારને તગડી આવક થશે. જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે કાયદાનો દંડૂકો ઉગામતાં જ રાજકીય પક્ષોના નેતાઓથી માંડીને આતંકીઓના સમર્થકો કાનૂનનું શરણું શોધવા દોડતા થઇ ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં લીઝ કેવી રીતે મળતી હતી તે અંગે દરેક અજાણ છે. લીઝ ફાળવણીની પ્રક્રિયા વિશે કોર્ટમાં અરજીઓ દાખલ થઇ, પરંતુ કોઇ ફાયદો થયો નથી. દેશના અન્ય ભાગોમાં પણ આ જ રીતે લેન્ડ રુલ્સ લાગુ થશે એમ મનાય છે.
લીઝ ખતમ પરંતુ કબજો કાયમ
જમ્મુ-કાશ્મીરના લીઝ માલિકોમાં દરેક રાજકીય પાર્ટીઓ અને ધર્મોના વગ ધરાવતા લોકો સામેલ છે. સ૨કા૨ી રેકોર્ડ અનુસાર અનેક લોકોની લીઝ અવિધ પૂરી થઇ હોવા છતાં પણ જમીન પર કબજો યથાવત્ છે.
• પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા શ્રીનગરના સોનવારમાં પ્રાઇમ લોકેશન પર લગભગ 2 એકરથી વધુ લીઝની જમીન ધરાવે છે. ફારુકના પિતા શેખ અબ્દુલ્લાના નામે કોઠીબાગમાં 1.5 એકર જમીન છે. 2020માં આ લીઝ ખતમ ગઇ છે, પણ કબજો ચાલુ છે.
• રાજ્યના પૂર્વ મંત્રી અને કાશ્મીરી પંડિત નેતા રમન મટ્ટુ - ગુપકાર રોડ પર 1.5 એકર જમીન લીઝ જુલાઇ 2008માં ખતમ થઇ પરંતુ કબજો આજે પણ જાળવી રખાયો છે.
• પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ મોહમ્મદના પુત્ર બશીર અહમદ - કોઠીબાગ વિસ્તારમાં એક એકર જમીનની લીઝ છે. 2002માં લીઝ ખતમ થઇ ચૂકી છે .
• શ્રીનગરની ખ્રિસ્તી મિશનરી ટિંડલ બિસ્કો અને મલિન્સન સોસાયટી - લાલ ચોકની પાસે 4 એકરની લીઝ 2015માં ખતમ થઇ ચૂકી છે પરંતુ સોસાયટીનો કબજો જા૨ી છે. આ કેસમાં તો જમ્મુ-કાશ્મીર ક્રાઇમ બ્રાન્ચની તપાસ પણ ચાલી રહી છે.
• રાજબાગ હારકો સિલ્ક ફેક્ટરી - શ્રીનગરના રાજબાગ ક્ષેત્રમાં 20 એકર જમીનની લીઝ પર ફેક્ટરી સંચાલિત છે.
જમીનના નામ પર અત્યાર સુધી જરૂરિયાતમંદોને ધક્કા
શ્રીનગરના એક વેપારી નજીર અહમદનું કહેવું છે કે જે પણ સરકાર અથવા સિસ્ટમની નજીક હતા તેમને જ જમીન લીઝ પર મળતી હતી. ગરીબ અથવા સામાન્ય વ્યક્તિ અથવા કોઇ એવું કે જેમને આવી જમીનની ખરેખર જરૂર છે તેઓને માત્ર ધક્કા જ ખાધા છે.


