નવી દિલ્હીઃ અત્તરની ખુશબૂ માટે પ્રખ્યાત કન્નોજ હવે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો પર લગામ લગાવવા માટે ઘાટીમાં દુર્ગંધ ફેલાવવા જઈ રહ્યું છે. ઘાટીના પથ્થરબાજો માટે ખાસ કન્નોજ સ્થિત ફ્રેગ્નેન્સ એન્ડ ફ્લેવર ડેવલપમેન્ટ સેન્ટર (એફએફડીસી)ના વૈજ્ઞાનિકોએ એક નવી દુર્ગંધયુક્ત કેપ્સ્યૂલ પણ વિકસિત કરી છે. એફએફડીસીના પ્રિન્સિપલ ડાયરેક્ટર શક્તિ વિનય શુક્લાએ કહ્યું હતું કે આ કેપ્સ્યૂલને ટીયર ગન્સથી ફાયર કરવામાં આવતાની સાથે જ ધુમાડો થશે જેની દુર્ગંધ સહન કરવી શક્ય નહીં હોય.
દુર્ગંધ અસહનીય
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને રક્ષા મંત્રાલયની જરૂરી મંજૂરી અને સ્વીકૃતિ પછી એ આર્મીને આપવામાં આવશે. દિલચસ્પ વાત એ છે કે આ કેપ્સ્યૂલની દુર્ગંધ અસહનીય છે અને વ્યક્તિના સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર કરતી નથી.
પેલેટ ગન વિવાદ
પથ્થરબાજોને રોકવા માટે સુરક્ષા દળ પેલેટ ગનનો ઉપયોગ કરી રહ્યું છે. આના કારણે સેંકડો લોકોની આંખને નુકસાન થયું છે અને એનો ઉપયોગ વિવાદિત રહ્યો છે. જોકે પોલીસનું કહેવું છે કે આ ઘાતક હથિયાર નથી. જોકે ડોક્ટરોનું કહેવું છે કે પેલેટ ગનથી ઘાયલ થનાર હંમેશ માટે અપંગ થઈ જાય છે.
ગ્વાલિયરમાં ચકાસણી
શુક્લાએ કહ્યું હતું કે દુર્ગંધ ફેલાવનાર કેમિકલને એક કેપ્સ્યૂલમાં રાખવામાં આવશે. આ કેપ્સ્યૂલને ટિયર ગન્સ દ્વારા ફાયર કરી શકાય છે. તેમણે કહ્યું કે ગ્વાલિયરની ડિફેન્સ લેબોરેટરીમાં ટૂંક સમયમાં એની ટ્રાયલ લેવામાં આવશે.
રક્ષા મંત્રાલયની મંજૂરી
ટ્રાયલ સફળ થયા બાદ ભારતીય સેના એનો ઉપયોગ કરી શકે છે. જોકે રાજ્યકક્ષાના માઇક્રો મીડિયમ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના પ્રધાન ગિરિરાજસિંહને અગાઉથી જ જણાવી દેવામાં આવ્યું છે. ગિરિરાજસિંહની પહેલને કારણે રક્ષા મંત્રાલયે આના ટ્રાયલની મંજૂરી આપી છે.