કાશ્મીરમાં ફરીથી ધમધમતું થયું ‘ક્રિષ્ના ધાબા’ઃ આ નેવુંના દાયકાનું નહીં, નવું જમ્મુ-કાશ્મીર છે

Wednesday 28th April 2021 05:57 EDT
 
 

શ્રીનગરઃ શહેરની વચ્ચોવચ આવેલું અને પ્રવાસીઓથી માંડીને સ્થાનિક લોકોમાં જાણીતું ‘ક્રિષ્ના ધાબા’ ફરી ચાલુ થઈ ગયું છે. આ શુદ્ધ વૈષ્ણવ ભોજનાલયના માલિક રમેશકુમારના પુત્રની આતંકવાદીઓએ બે મહિના પહેલા ગોળી મારીને હત્યા કરી નાંખી હતી ત્યારથી તે બંધ હતું. ફરી ભોજનાલય ખુલ્લું મૂક્યા બાદ રમેશકુમારે એક બયાન આપીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે તો તેના પુત્રના હત્યારાને છોડી દઇ શકે છે.
બધાને હતું કે કાશ્મીરમાં હવે ભાગ્યે જ ક્રિષ્ના ધાબા શરૂ થશે, પણ રમેશકુમારના પરિવારે તેને ફરીથી શરૂ કરી લોકોને સંદેશ આપ્યો છે કે તેઓ કાશ્મીર છોડવાના નથી. રમેશકુમાર કહે છે કે ‘આજે ફરીથી મેં કામ શરૂ કર્યુ છે. હું અહીં સુરક્ષિત છું અને આ એ જગ્યા છે જ્યાં મારો જન્મ થયો છે, મોટો થયો છું.’
કાશ્મીરમાં વસતા લઘુમતી પર ૯૦ના દાયકાથી જ હુમલા કરીને તેમને કાશ્મીર છોડવા મજબુર કરાયા હતા પણ કેટલાય એવા પરિવારો છે જે આજે પણ કાશ્મીરમાં રહીને આતંકવાદીને જવાબ આપી રહ્યા છે. રમેશકુમારના યુવાન પુત્રને ગયા ફેબ્રુઆરીમાં આતંકીઓએ ગોળી મારી દીધી હતી. ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે - ૨૦ એપ્રિલે રમેશકુમારે ભોજનાલય ખુલ્લું મૂકીને સંદેશ આપ્યો છે કે, કોઈ પણ આતંકી હુમલો તેના ઈરાદાને નબળા નહીં કરી શકે. એમનું આટલું બયાન જ અલગતાવાદીઓને સંદેશ આપે છે કે હવે ૯૦ના દાયકાનો સમય નથી. આ નવું જમ્મુ- કાશ્મીર છે. અહીં આતંકીઓ અને ટેકેદારો માટે કોઈ સ્થાન નથી. હવે ગમેતેવા હુમલા થાય અહીંથી કોઈ જવાનું નથી. હવે તો અહીંથી જે પરિવારો ચાલ્યા ગયા હતા તેમને પણ ફરીથી કાશ્મીરમાં લાવવામાં આવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter