નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અચાનક ૧૦ હજાર સૈનિકોની વધુ તૈનાતી કરાતાં એવી અટકળ તીવ્ર બની છે હતી કે બહુચર્ચિત આર્ટિકલ ૩૫-એની નાબુદીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આયોજન સરકારે કરી રાખ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ બે દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે હતા. આ પછી રાજ્યમાં સુરક્ષા દળોની ૧૦ વધુ કંપની તૈનાત કરવાનો નિર્ણય જાહેર થયો હતો. આર્ટિકલ ૩૫-એ અને ૩૭૦ કલમ હટાવવાની દેશભરમાં માગણી ઉઠી છે. ૪૦ વખત આ કાયદાને સંશોધિત કરાયો છે. કાશ્મીર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ મુદ્દે કોર્ટમાં પણ લડત ચાલે છે. જો કાયદામાં ફેરફાર થાય કે સદંતર રદ થાય તો ભારતનો કોઈ પણ નાગરિક કાશ્મીરમાં રહી શકે છે. કાશ્મીરમાં સરકારી નોકરી મેળવી શકે છે અને રાજ્યમાં મિલ્કત ખરીદી શકે છે.
અજીત દોવાલ પાટનગરમાં પહોંચ્યા પછી કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ૧૦ કંપની વધુ તૈનાત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે પછી જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૫-એ હટાવવાની દિશામાં કાર્યવાહી થઈ રહી હોવાની અટકળો ચાલી હતી.
ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બંને મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો આર્ટિકલ ૩૫-એ અને ૩૭૦ રદ કરાશે. પ્રથમ ટર્મ દરમિયાન એ દિશામાં કામ ન થયું, પણ બીજી ટર્મની શરૂઆતમાં જ સંસદસભા-રાજ્યસભામાં વારંવાર આર્ટિકલ ૩૫-એ મુદ્દે વોટિંગ કરવાની માગણી થતી રહી છે. ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
તો શું ફરક પડશે?
લગભગ ૪૦ વખત આ કાયદાને સંશોધિત કરવામાં આવ્યો છે. કાશ્મીર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ મુદ્દે કોર્ટમાં પણ લડત ચાલી રહી છે. જો આ કાયદામાં ફેરફાર થાય કે સદંતર રદ્ થાય તો ભારતનો કોઈ પણ નાગરિક કાશ્મીરમાં રહી શકે છે. કાશ્મીરમાં સરકારી નોકરી મેળવી શકે છે અને રાજ્યમાં મિલ્કત ખરીદી શકે છે.
અન્ય રાજ્યના રોકાણકારો જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરે એટલે રોજગારી પણ વધે. જો એવું થાય તો કાશ્મીરમાં અલગતાવાદીઓનું જોર ઓછું થઈ જાય. અલગતાવાદીઓ સ્થાનિક નાગરિકોને ભડકાવી શકે નહીં. સ્થાનિક યુવાનો આતંકવાદનો હાથો બનવાને બદલે રોજગારી મેળવતા થાય તો કાશ્મીરમાં એકાદ દશકામાં જ કાયમી શાંતિ થઈ શકે છે.
દોવાલની કાશ્મીર મુલાકાત પછી નિર્ણય
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ જમ્મુ-કાશ્મીરની મુલાકાતેથી આવ્યા કે તરત જ કેન્દ્ર સરકારે વધુ ૧૦ હજાર સૈનિકો કાશ્મીર ઘાટીમાં તૈનાત કર્યા હતા. સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા વ્યવસ્થા કરાઈ હોવાનું મનાય છે.
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને થોડા વખત પહેલાં ૪૦,૦૦૦ અર્ધ લશ્કરી દળોના જવાનોને તૈનાત કરાયા હતા. એ પહેલાં ફેબ્રુઆરીમાં પુલવામામાં આતંકવાદી હુમલો થયો તે પછી ૧૦૦ કંપનીઓ તૈનાત કરાઈ હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ બે દિવસની કાશ્મીર મુલાકાતે હતા. અજીત દોવાલ પાટનગરમાં પાછા ફર્યા કે તરત જ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં વધુ ૧૦ હજાર સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી છે. એટલે કે વધારે ૧૦ કંપનીઓ તૈનાત થશે. ગૃહ મંત્રાલયની જાહેરાત પ્રમાણે સીઆરપીએફની ૫૦ કંપની, બીએસએફની ૧૦ કંપની અને એસએસબીની ૩૦ કંપની અને આઈટીબીપીની ૧૦ કંપની તૈનાત કરાઈ છે. એક કંપનીમાં ૧૦૦ જવાનો હોય છે. તે હિસાબે ૧૦ હજાર જવાનો તૈનાત થશે.


