જમ્મુઃ દાયકાઓથી વિકાસ માટે ઝઝૂમી રહેલા જમ્મુ-કાશ્મીરનું રિઅલ એસ્ટેટ સેક્ટર હવે વિકાસના પંથે હરણફાળ ભરે તે દિવસો દૂર નથી. રાજ્યમાં હિરાનંદાની ગ્રૂપ, સિગ્નેચર ગ્લોબલ, એનબીસીસી અને રાહેજા ડેવલપર જેવી ભારતની દિગ્ગજ કંપનીઓના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકારે આ કંપનીઓ સાથે કુલ ૩૯ એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી કરાર થકી રાજ્યના રિઅલ એસ્ટેટ ક્ષેત્રે અંદાજે ૧૯,૦૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણનો માર્ગ ખૂલ્યો છે. સાથે સાથે જ રાજ્યમાં રોજગારીની સેંકડો તકોનું નિર્માણ થશે.
જમ્મુ-કાશ્મીર સરકારે સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશે દેશના અગ્રણી રિયલ્ટરો સાથે કરેલા કરાર અનુસાર રાજ્યમાં જંગી મૂડીરોકાણ આવશે.
આ રોકાણ હાઉસિંગ, હોટેલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરની પ્રથમ રિઅલ એસ્ટેટ સમિટમાં થયેલા આ સમજૂતી કરારો પર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ હસ્તાક્ષર કર્યા હતા.
કાશ્મીર માટે ઐતિહાસિક પગલું
જમ્મુ-કાશ્મીર સરકારનું કહેવું છે કે દેશના રિઅલ એસ્ટેટ રોકાણકારો માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં રોકાણના માર્ગો ખોલવામાં આવ્યા છે. ૨૭ ડિસેમ્બરે થયેલા સમજૂતી કરાર હાઉસિંગ, હોટેલ અને કોમર્શિયલ પ્રોજેક્ટના નિર્માણ માટે છે. રિઅલ એસ્ટેટ સમિટમાં સમજૂતી કરાર પરના હસ્તાક્ષરને ‘ઐતિહાસિક’ ગણાવતા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તન લાવવાની દિશામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જણાવ્યું હતું કે આ સમજૂતી કરારોના લીધે જમ્મુ-કાશ્મીરમાં રોજગાર સર્જનમાં મદદ મળશે.
સમિટ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું હતું કે સરકારે અહીં રિઅલ એસ્ટેટ કાયદાઓ ‘રેરા’ (રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) અને મોડેલ રેન્ટ એક્ટ લાગુ કરી દીધા છે. સિંહાએ કહ્યું કે સરકાર અન્ય રાજ્યોની જેમ અહીં પણ જમીન, મકાન અને દુકાનની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ આપશે. આ સાથે જ પ્રોજેક્ટના ઝડપી એપ્રુવલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ સ્થાપવામાં આવશે. અમે ૩૯ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અમને રૂ. ૧૮,૩૦૦ કરોડના રોકાણના પ્રસ્તાવ મળ્યા છે.
નવી ઇન્ડસ્ટ્રીયલ સ્કીમને પણ વ્યાપક આવકાર
સિંહાએ જણાવ્યું હતું કે સરકારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે છ હજાર એકર જમીન અલગ તારવ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી નવી ઇન્ડસ્ટ્રીયલ સ્કીમ હેઠળ કુલ ૪૪,૦૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણ દરખાસ્તો મળી છે. આ આંકડો ટૂંક સમયમાં ૬૦,૦૦૦ કરોડ પર પહોંચી જશે. મનોજ સિંહાએ આવી જ રિઅલ એસ્ટેટ શિખર પરિષદ શ્રીનગરમાં ૨૧-૨૨ મેના રોજ યોજવાની જાહેરાત કરી હતી.
દિગ્ગજ કંપનીઓ દ્વારા મૂડીરોકાણ
આ રિઅલ એસ્ટેટ સમિટ કોન્ફરન્સનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર, ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય તેમજ રિઅલ એસ્ટેટ કંપનીઓના સંગઠન નેશનલ રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા કરવામાં આવ્યું હતું.
NAREDCOના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે હિરાનંદાની ગ્રૂપ, સિગ્નેચર ગ્લોબલ, એનબીસીસી અને રાહેજા ડેવલપર્સ સહિતની ઘણી કંપનીઓએ રૂ. ૧૮,૯૦૦ કરોડના રોકાણ પ્રસ્તાવો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સમ્યક ગ્રૂપ, રોનક ગ્રૂપ, ગોયલ ગંગા, જીએચપી ગ્રૂપ અને શ્રી નમન ગ્રૂપ સહિત અન્ય રિઅલ એસ્ટેટ કંપનીઓએ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બીજી તરફ હોટેલ પ્રોજેક્ટ માટે શૈલે હોટેલ્સે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. જ્યારે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગે જમ્મુ અને કાશ્મીરમાં એક યુનિટ સ્થાપવા માટે નમકીન ઉત્પાદન ક્ષેત્રે આગવી નામના ધરાવતા હલ્દીરામ જૂથ સાથે કરાર કર્યા છે.