કાશ્મીરમાં વડા પ્રધાન દ્વારા રૂ. ૨૫૦૦૦ કરોડની યોજનાઓની જાહેરાત

Wednesday 23rd May 2018 08:51 EDT
 
 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની એક દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મી મેએ શ્રીનગર, કારગીલ અને લેહને જોડતી ઝોજીલા ટનલનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં રૂપિયા ૨૫,૦૦૦ કરોડની વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાશે. રાજ્યમાં રૂ. ૮૦,૦૦૦ કરોડનાં વિકાસકામો ચાલી રહ્યાં છે. આ યોજનાઓ દ્વારા રાજ્યની જનતાને ઘણો લાભ થશે. ૧૪ કિ.મી. લાંબી ઝોજીલા ટનલ ભારતની સૌથી લાંબી સડક ટનલ અને એશિયાની સૌથી લાંબી ટનલ બની રહેશે, ત્યારબાદ વડા પ્રધાન મોદીએ ૩૩૦ મેગાવોટના કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સેમી રિંગ રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. વડા પ્રધાને લેહમાં ૧૯મા કુશોક બકુલા રિન્પોચેની જન્મશતાબ્દીની ઉજવણીના પૂર્ણાહુતિ સમારંભમાં હાજરી આપી હતી.
મોદીએ શ્રીનગરમાં જણાવ્યું હતું કે, વિદેશી શક્તિઓ જમ્મુ-કાશ્મીરનો વિકાસ ઇચ્છતી નથી, પરંતુ રાજ્યની સમસ્યાઓનો ઉકેલ ફક્ત વિકાસ દ્વારા જ આવી શકે છે. કાશ્મીરખીણના અવળી દિશામાં ગયેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં જોડાઈ જવાની અપીલ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, અમારી સરકાર ભટકેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં પરત લાવવાના પ્રયાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter