કાશ્મીરમાં વસતાં અન્ય રાજ્યોના લોકોને પણ મતાધિકાર મળશે

Saturday 27th August 2022 06:26 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાનાં 3 વર્ષ બાદ બીજી એક જાહેરાતથી ત્યાંના રાજકારણમાં હો-હા મચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું કે આ વર્ષના અંતમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારયાદી અપડેટ થશે. જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર ત્યાંના પરપ્રાંતીઓ મત આપી શકશે. રાજ્યના વિપક્ષે આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો છે. પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ નિર્ણય કાશ્મીરમાં લોકશાહીના તાબૂત પર છેલ્લો ખીલો સાબિત થશે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે શું ભાજપ જમ્મુ-કાશ્મીરના મતદારોના સમર્થન મુદ્દે એટલો અસુરક્ષિત છે કે તેણે જીતવા માટે હંગામી મતદારો આયાત કરવાની જરૂર પડી? વિવાદો વચ્ચે જમ્મુ-કાશ્મીરના તંત્રે કહ્યું કે ભારતમાં જે મતદારો જ્યાં રહેતા હોય ત્યાં મત આપી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 લાગુ હતી ત્યારે સ્થાનિક રહેવાસી મતદાર હતા, હવે સ્થિતિ બદલાઇ છે.
25 લાખ મતદાર ગેમ ચેન્જર બનશે
મતદાર યાદીમાં નવા 25 લાખ મતદાર ઉમેરાશે તો તે ગેમ ચેન્જર સાબિત થશે. કાશ્મીરમાં હંગામી ધોરણે રહેતી કોઇ પણ પુખ્ત વ્યક્તિ મત આપી શકશે. ગત લોકસભા ચૂંટણી વખતે મતદારયાદી અપડેટ થયેલી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 78.4 લાખ મતદાર હતા. તેમાં લદાખના 2 લાખ મતદાર હતા, જે હવે અલગ થઇ ગયા છે. 2019માં નવા 6.5 લાખ મતદાર ઉમેરાયા હતા. હવે બીજા 25 લાખ ઉમેરાશે તો જમ્મુ-કાશ્મીરમાં કુલ મતદારો 76.4 લાખથી વધીને 1.1 કરોડ થઇ જશે. 2014માં પીડીપીને 10.92 લાખ અને ભાજપને 11.07 લાખ મત મળ્યા હતા. તેમણે લગભગ 22 લાખ મત સાથે સરકાર બનાવી. હવે જો 25 લાખ મતદારોને તમામ વિધાનસભા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રીતે ઉમેરવામાં આવે તો તે નિર્ણાયક સાબિત થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter