શ્રીનગર: વિધાનસભા ચૂંટણીની શક્યતાને પગલે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા આરંભી દીધી છે. 31 ઓક્ટોબરે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે. રાજ્યમાં વોટિંગ મશીન પણ પહોંચવા લાગ્યા છે, જે અનૌપચારિક રીતે ચૂંટણીપ્રક્રિયાની શરૂઆત ગણાય છે. ગયા મહિને જમ્મુ-કાશ્મીર ગયેલા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ ચાલુ વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની વાત કરી હતી તે જોતાં ગુજરાત, હિમાચલ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થવાની શક્યતા વધી ગઇ છે.
2019ની પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ અને રાજ્યના પુનર્ગઠન બાદ પહેલીવાર રાજ્યમાં રાજકીય પ્રવૃત્તિઓ આટલી વધી છે. ભાજપ-કોંગ્રેસ તેમ જ પ્રાદેશિક પક્ષો પણ ઇલેક્શન મોડમાં આવી ગયા છે. તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસની બેઠક થઇ, જેમાં પૂર્વ સીએમ ગુલામનબી આઝાદ પણ હતા. લાંબા સમયથી નારાજ આઝાદ ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે છે.
ચૂંટણી તૈયારીમાં ભાજપ સૌથી આગળ
ચૂંટણીની તૈયારીમાં ભાજપ સૌથી આગળ છે. તે જમ્મુમાં મોટી અને કાશ્મીરમાં નાની રેલીઓ કરી રહ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈનાએ તાજેતરમાં બારામુલ્લામાં રેલી કરી. રૈના કહે છે કે આ વખતે સીએમ ભાજપના હશે. હૈદરાબાદમાં મળેલી બેઠકમાં વિધાનસભાવાર રિપોર્ટ માગવામાં આવ્યો. આ મહિને કાર્યકરોની કાર્યશિબિર યોજાઇ. પક્ષ સરહદી વિસ્તારોમાં રહેતા ગુજ્જર, બકરવાલ અને એસસી સમુદાય સુધી સંપર્ક વધારી રહ્યો છે. તેણે જનસંપર્કને ધાર આપવા ક્ષેત્રવાર પ્રભારી નીમ્યા છે.


