કાશ્મીરમાં શાંતિનો માર્ગ મોકળોઃ ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી

Saturday 12th November 2022 07:03 EST
 
 

શ્રીનગર: કાશ્મીરમાં શાંતિનો માર્ગ મોકળો થતો દેખાય છે. ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી પડી છે. સૌથી મોટો સફાયો ભાગલાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સનો થયો છે. એક સમય એવો પણ હતો જ્યારે હુર્રિયતના એક એલાન સાથે કાશ્મીર ખૂલતું અને બંધ થતું હતું. 2019ના પુલવામા હુમલા બાદ સરકારે ભાગલાવાદી જૂથ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખી હતી.
પહેલાં અનેક ભાગલાવાદી નેતા પોલીસ સુરક્ષા દળ અને બુલેટપ્રૂફ ગાડીઓની મજા માણતા હતા પણ હુમલા બાદ સરકારે તે તમામ સુવિધા પાછી ખેંચી લીધી. શબ્બીર શાહ, નઈમ ખાન, યાસીન મલિક જેવા ડઝનેક ભગલાવાદીઓને જેલમાં કેદ કરાયા છે.
યાસીન મલિકને ટેરર ફન્ડિંગ મામલે કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. વધુ બે કેસમાં કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ભાગલાવાદી નેતા આશિયા અંદ્રાબી પણ જેલમાં છે.
હુર્રિયતને પક્ષપલટાનો સામનો કરવો પડ્યો છે. અનેક નેતા હુર્રિયત છોડી મુખ્ય ધારાના પક્ષોમાં જોડાઈ ગયા છે. તાજેતરમાં હુર્રિયતના સંસ્થાપકોમાં સામેલ અબ્બાસ અન્સારીના મોત બાદ આ સંગઠન લગભગ ખતમ થઇ ચૂક્યું છે.
ગિલાની કુટુંબનો ખાત્મો થયો
વરિષ્ઠ નેતા સૈયદ શાહ ગિલાનીના સપ્ટેમ્બર 2021માં નિધન બાદ હુર્રિયતને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. ગિલાનીના જમાઈ અલ્તાફનું ટેરર ફન્ડિંગ કેસમાં ધરપકડ દરમિયાન ઓક્ટોબર 2022માં લાંબી બીમારીથી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
શબ્બીર શાહનું મકાન જપ્ત
ઈડીએ ભાગલાવાદી નેતા શબ્બીર શાહનું ઘર જપ્ત કરી લીધું. તેની સામે ટેરર ફન્ડિંગ કેસમાં કાર્યવાહી કરાઈ હતી. શ્રીનગરમાં આવેલા આ મકાનની કિંમત 22 લાખ રૂપિયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter