કાશ્મીરમાં સક્રિય પાક. આતંકીઓને મળતું સમર્થન ઘટી રહ્યું છે

Sunday 24th November 2024 05:57 EST
 
 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં વિદેશી આતંકવાદીઓ ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે. આ આતંકવાદીઓની આતંકી ષડયંત્ર પાર પાડવાની અને સ્થાનિક સ્તરે લોકોની ભરતી કરવાની પદ્ધતિમાં તાજેતરમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. હાલમાં આતંકવાદીઓ સરહદ પર ઘુસણખોરીથી વધુ અંદરના વિસ્તારોમાં હુમલા કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે હવે આતંકવાદીઓને સ્થાનિક સ્તરે ખૂબ જ ઓછું સમર્થન મળે છે અને તેમની વિરુદ્ધ ચોક્કસ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યા છે.
ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે પ્રદેશમાં 119 આતંકવાદીઓ સક્રિય છે તેમાં 79 પીર પંજાલમાં છે. 79 આતંકવાદીઓમાંથી 18 સ્થાનિક છે અને બાકીના 61 પાકિસ્તાનના છે. પીર પંજાલની દક્ષિણે બીજા 40 સક્રિય આતંકવાદીઓ છે, તેમાં 34 પાકિસ્તાની નાગરિકો છે જ્યારે સ્થાનિક આતંકીઓની સંખ્યા ફકત છ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 25 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓમાં 24 જવાનો શહીદ થયાં છે.
61 આતંકવાદી ઠાર મરાયા
આ વર્ષે સુરક્ષા દળોએ 61 આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે તેમાં 45ને ભારતીય સરહદની અંદરના વિસ્તારોમાં ઠાર કરાયા હતા જ્યારે 16ને નિયંત્રણ રેખા પર ઠાર કરાયા હતા. આમાંથી 21 પાકિસ્તાની હતા. નોર્ધર્ન કમાન્ડના વડા લેફટનન્ટ જનરલ એમ.વી. સૂચીન્દ્ર કુમારે વ્હાઇટ નાઇટ કોર જમ્મુની મુલાકાત લીધી હતી અને સૈન્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે પોતાના દળોને આતંકવાદીઓ સામે વધારે સતર્કતા સાથે અભિયાન ચલાવવાના નિર્દેશો આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter