શ્રીનગરઃ સળંગ દસમા દિવસે પણ કરફ્યુ યથાવત રહેવા છતાં કાશ્મીર ખીણમાં હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. ૧૯મીએ પણ હિંસક ઘટનાઓમાં પાંચ લોકો ઘાયલ થયા હતાં. ૧૯મી જુલાઈએ પથ્થરમારાની ઘટનાઓમાં પીડીપીના ધારાસભ્યને પણ ઇજા થઇ હતી. છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી હિંસામાં કુલ મૃત્યુઆંક વધીને ૪૦ થયો છે અને કુલ ૩૭૦૦ લોકો ઘાયલ થયા છે.
પુલવામા જિલ્લાના પીડીપી ધારાસભ્ય મહોમ્મદ ખલિલ બાંદનું વાહન પસાર થઇ રહ્યું હતું ત્યારે ટોળાએ પથ્થરમારો કરતા તેમને ઇજા થઇ હતી. હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીની હત્યાના વિરોધમાં અલગતાવાદીઓએ ૨૨ જુલાઇ સુધી કાશ્મીર બંધ રાખવાની જાહેરાત કરી છે.
સળંગ ત્રીજા દિવસે કાશ્મીરના લોકોને અખબારો મળી શક્યા ન હતાં. સળંગ દસમા દિવસે મોબાઇલ ફોન અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યા હતાં. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કુપવાડા અને બારામુલ્લા જિલ્લા સિવાય કાશ્મીર ખીણના મોટા ભાગના વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહી હતી.