કાશ્મીરમાં ૨૫ શાળાને આગચંપી

Thursday 03rd November 2016 07:16 EDT
 
 

શ્રીનગરઃ અશાંતિની આગમાં સપડાયેલા કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક તોફાની તત્વોએ છેલ્લા બે માસમાં ૨૫ શાળાને સળગાવી દેતાં સોમવારે હાઇ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો છે અને સરકારને શિક્ષણ સંસ્થાનોની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવા સુચના આપી છે. રવિવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આવેલી હાયર સેકન્ડરી કાબામાર્ગ સ્કૂલને સળગાવી દેવામાં આવી હતી. આ પૂર્વે ત્રણ શાળાને આગ ચાંપી દેવામાં આવી હતી.

જોકે ખીણ પ્રદેશમાં શાળા-કોલેજો છેલ્લા ચાર માસથી બંધ હોવાથી સદનસીબે જાનહાનિની કોઇ ઘટના નોંધાઇ નથી. ગયા જુલાઇમાં આતંકવાદી બુરહાન વાની સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયો છે ત્યારથી આ પ્રદેશમાં અશાંતિ પ્રવર્તે છે. શાળાઓને સળગાવી દેવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ માટે સરકાર કાશ્મીરી અલગતાવાદીઓને જવાબદાર ઠેરવે છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિર્મલ સિંહે કહ્યું હતું કે આ ખૂબ જ કમનસીબ બાબત છે. અને આ ઘટનાની જવાબદારી ગિલાની સહિતના અલગતાવાદીના શીરે છે. તેઓ જ આવા પરિબળોને શાળાઓને સળગાવવા માટે ઉશ્કેરી રહ્યા છે. આનાથી આખરે તો કાશ્મીરના બાળકોનું ભવિષ્ય જ અંધકારમય બનવાનું છે.’ દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન એમ. વેન્કૈયા નાયડુએ પણ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter