નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ૩ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયેલાં આતંકવાદ વિરોધી ઓપરેશનોમાં રવિવારે ૧૩ આતંકી ઠાર મરાયા હતા. સામસામી અથડામણોમાં સેનાના ૩ જવાન શહીદ થયા હતા, જ્યારે સુરક્ષાદળો અને સ્થાનિકો વચ્ચેની અથડામણોમાં ચાર નાગરિકનાં મોત થયાં હતાં અને ૫૦થી વધુને ઈજા પહોંચી હતી. સેના, પોલીસ અને સીઆરપીએફ વતી જમ્મુ-કાશ્મીરના પોલીસવડા એસ. પી. વૈદ્યે જણાવ્યું હતું કે, કાશ્મીરખીણમાં સક્રિય એવાં આતંકવાદી સંગઠનો સામે હાથ ધરાયેલાં આ સૌથી મોટા ઓપરેશનો પૈકીનું એક હતું. આ કાર્યવાહીને કારણે હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તોયબાને મોટો ફટકો પડયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોપિયાંના કચદુરુમાં હાથ ધરાયેલાં ઓપરેશનમાં સેનાના ૩ જવાન શહીદ થયા હતા. તે ઉપરાંત કાટમાળમાંથી ૪ આતંકીના મૃતદેહ મળી આવ્યા હતા. કચદુરુ ખાતેનું ઓપરેશન હાલપૂરતું સ્થગિત કરાયું છે. શોપિયાંના કચદુરુમાં હજુ પાંચ આતંકી સંતાયા હોવાની શંકા છે. સોમવારે વધુ સર્ચઓપરેશન હાથ ધરાશે. સુરક્ષાદળોએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટરોમાં માર્યા ગયેલા તમામ આતંકીઓ સ્થાનિક હતા. અનંતનાગમાંથી એક આતંકીને જીવતો ઝડપી લેવાયો હતો. કાશ્મીરખીણમાં વિરોધપ્રદર્શનોની શંકાને પગલે ઘણા જિલ્લામાં ઇન્ટરનેટસેવા બંધ કરી દેવાઈ છે. ડીજીપી એસ. પી. વૈદ્યે જણાવ્યું હતું કે દ્રાગડ અને અનંતનાગમાં એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયાં છે.
આતંકીઓનાં સમર્થનમાં પથ્થરમારો
કાશ્મીરખીણમાં આતંકવાદીઓ સામે લડવા દરમિયાન ફરી એક વખત સેનાને સ્થાનિકો સામે પણ લડવાની સ્થિતિ ઊભી થઈ હતી. અત્યાર સુધીમાં ઘણી વખત ઊભી થયેલી સ્થિતિની જેમ સેનાએ બેવડા મોરચે લડવું પડયું હતું. શોપિયાંમાં આતંકવાદીઓનાં મોતના સમાચારો પ્રસરતાં સ્થાનિકોએ મોટાપાયે સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આતંકીઓ માર્યા ગયા બાદ દ્રાગડ, કચદુરુ અને સુગાન ગામોમાં તોફાનીઓએ સેના પર ભારે પથ્થરમારો ચલાવ્યો હતો. સેનાએ પહેલાં તોફાનીઓને વિખેરવા ટિયરગેસના શેલ છોડયા હતા, ત્યારબાદ તોફાનીઓને વિખેરવા માટે સુરક્ષાદળોને પેલેટ ગનનો સહારો લેવો પડયો હતો, જેમાં બે નાગરિકનાં મોત થયાં હતાં અને ઓછામાં ઓછાં ૫૦ને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે શોપિયાં જિલ્લાહોસ્પિટલ અને શ્રીનગરની હોસ્પિટલોમાં ખસેડાયાં હતાં.