ઉધમપુર/ચેનાનીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અને એશિયાની સૌથી લાંબી ઉધમપુર અને રામબનને જોડતી ૯.૨ કિ.મી. લાંબી ચેનાની-નાશરી સુરંગ બીજીએ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ટનલ રૂ. ૩.૭૨૦ કરોડના ખર્ચે સાત વર્ષમાં બની છે. મોદીએ આ પ્રસંગે કાશ્મીરના યુવકોને ટેરરિઝમ છોડીને ટૂરિઝમ અપનાવવા માટે અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે કેટલાક ગેરમાર્ગે દોરાયેલા યુવકો કાશ્મીરમાં પથ્થરો ફેંકીને હિંસા ભડકાવી રહ્યા છે ત્યારે કેટલાક નવયુવકો પથ્થરો કાપીને કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે, નવી ટનલથી ચેનાની અને નાશરી વચ્ચેનું અંતર ૩૦ કિમી. ઘટશે. દરેક મોસમમાં આ ટનલ જમ્મુ શ્રીનગરને જોડેલા રાખશે. આ પ્રસંગે રાજ્યપાલ એન. એન. વોહરા તેમજ જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતી હાજર હતા. મોદીએ વોહરા અને મુફતી સાથે ખુલ્લી જીપમાં થોડાં અંતર સુધી ટનલમાં પ્રવાસ કર્યો હતો.
ટનલની વિશેષતાઓ
• આ ટનલથી જમ્મુ-કાશ્મીર વચ્ચેના પ્રવાસમાં બે કલાકનો ઘટાડો થશે.
• ચેનાની - નાશરી વચ્ચેનું ૪૧ કિ.મી.નું અંતર ઘટીને ૧૦.૯ કિ.મી. થશે.
• ટનલમાં ૧૨૪ સીસીટીવી કેમેરા ૩૬૦ ડિગ્રીનો વ્યૂ આપે છે.
• આ ટનલમાં રોજ ૨૭ લાખ રૂપિયાની અને વર્ષે ૯૯ કરોડ રૂપિયાની બચત થશે.
• આ બે લેનની આ ટનલ એશિયામાં રસ્તા માર્ગે સૌથી લાંબી ટનલ છે.
• જમ્મુ-કાશ્મીર હાઇવે પરના ૪૪ વિસ્તારોને ટનલ બાયપાસ કરશે. જે સૌથી વધુ ભૂસ્ખલન અને બરફવર્ષા પ્રભાવિત વિસ્તારો છે.
• આ ટનલથી બારેમાસ જમ્મુથી શ્રીનગર જઈ શકાશે.
• ટનલ બનાવવા ૧૫૦૦ એન્જિનિયર્સ અને મજૂરો તેમજ જિયોલોજિસ્ટોએ કામ કર્યું છે.
• ટનલમાં બે ટ્યૂબ્સ છે. દર ૩૦૦ મીટરના ૨૯ ક્રોસ પેસેજો છે.
• ટનલમાં ઓક્સિજનનો યોગ્ય પુરવઠો જળવાઈ રહે તે માટે ઠેરઠેર ખરાબ હવા કાઢવાનાં છિદ્રો બનાવાયાં છે.