યુવા દિલોની ધડકન એવા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જીવનભર માટે એકબીજાના થઈ ગયા છે. સિદ્ધાર્થ-કિયારા જેસલમેરના કિલ્લામાં સ્વજનોની ઉપસ્થિતિમાં સપ્તપદીના ફેરા ફર્યા છે. નવદંપતીએ બાદમાં ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખાયું હતું, ‘અમે અમારી આગળની સફરમાં તમારા આશીર્વાદ અને પ્રેમ માંગીએ છીએ.’
ક્યૂટ કપલ સિદ્ધાર્થ-કિયારાના શુભ લગ્નપ્રસંગની શરૂઆત સોમવારે સંગીત સેરેમની સાથે થઈ હતી. લગ્નમાં 10 દેશોની 100થી વધુ ડિશ બનાવાઇ હતી. ખૂબ જ ભવ્ય રીતે અને અત્યંત ગુપ્ત રીતે યોજાયેલા આ ગ્રાન્ડ વેડિંગ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા સાથે જેસલમેર એરપોર્ટથી સુર્યગઢ પેલેસ સુધી મહેમાનોને પહોંચાડવા આયોજન કરાયું હતું. પહેલા એવી અટકળો ચાલતી હતી કે સિદ્ધાર્થ અને કિયારા સોમવારે લગ્ન કરશે, પરંતુ બન્ને મંગળવારે લગ્નબંધને બંધાયા હતા.
સંગીત સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં ઉપરાંત કરણ જોહર રવિવારે જ જેસલમેર પહોંચી ગયા હતા. રવિવારે રાતે ઈશા અંબાણી પણ તેના પતિ સાથે પહોંચી હતી. આકાશ અને શ્લોકા પણ લગ્નમાં ભાગ લેવા જેસલમેર પહોંચ્યાં હતાં. ઈશા અને કિયારા સ્કૂલ ફ્રેન્ડ હોવાથી ઈશાને કિયારાનાં લગ્ન માટે સવિશેષ ઉમંગ છે. સોમવારે જુહી ચાવલા પણ જેસલમેર પહોંચી હતી. જુહી ચાવલા અને કિયારાના પિતા બાળપણનાં મિત્રો છે અને તેમના વચ્ચે પારિવારિક સંબંધો છે.
બીજી તરફ, યુગલનાં લગ્ન જીવન વિશે આગાહીઓ પણ થવા લાગી છે. એક ટેરો કાર્ડ રીડરની આગાહી મુજબ કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે. લગ્ન બાદ સિદ્ધાર્થની કેરિયર પૂરઝડપે આગળ ધપશે. સિદ્ધાર્થ લગ્ન બાદ ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવશે. તો કિયારા બહુ જ સુશીલ અને ગુણકારી પત્ની સાબિત થશે. કિયારા લગ્નના બે વર્ષમાં માતા બનશે એવી આગાહી કરવામાં આવી છે.
મહેમાનોને દેશવિદેશના જાતભાતના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા. 50થી વધુ સ્ટોલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસતા જોવા મળતા હતા. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સ્પર્ટ દિલ્હી-મુંબઈથી લગ્નસ્થળે વ્યવસ્થા માટે પહોંચ્યા હતા. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચુરમા, બાજરાનો રોટલો, ખીચડી સામેલ હતા. મીઠાઈમાં જેસલમેરના ઘોટવા લાડવા છે. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી છે, જેમાં મકાઈની રોટી, પાલક-સરસોનું શાક, છોલે ભટુરે સામેલ હતા.