કુતુબ મિનાર કે વિષ્ણુ સ્તંભ?

હિન્દુ પક્ષની પૂજા કરવા દેવા માગણી

Wednesday 25th May 2022 06:04 EDT
 
 

નવી દિલ્હીઃ શું કુતુબ મિનાર સૈકાઓ પૂર્વે વિષ્ણુ સ્તંભ હતો? શું આ ઐતિહાસિક ઇમારત 27 મંદિરને તોડીને બનાવવામાં આવી હતી? આ અને આવા પ્રશ્નો સાથે કુતુબ મિનાર મામલે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. હિન્દુ પક્ષકારોએ આ દાવા સાથે કુતુબ મિનારમાં પૂજાની માંગણી કરતી અરજી દિલ્હીની સાકેત કોર્ટમાં કરી હતી. આ મામલે હિન્દુ પક્ષ અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ની દલીલો સાંભળ્યા બાદ નવમી જૂન પર ચુકાદો મુલત્વી રાખ્યો છે. એએસઆઈ અને હિન્દુ પક્ષ બંનેએ મંગળવારે પોતપોતાની દલીલો રજૂ કરી. હિન્દુ પક્ષે કુતુબ મિનારમાં પૂજાની માંગણી અંગે સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર એએસઆઇએ જવાબ આપ્યો છે. આ માંગણીનો વિરોધ કરતાં એએસઆઈએ કહ્યું છે કે કુતુબ મિનારની ઓળખ બદલી ન શકાય.

કોર્ટમાં થઈ આ દલીલો
મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે હિન્દુ પક્ષને પૂછયું હતું કે સ્મારકને પૂજાપાઠની જગ્યા બનાવી દેવા ઈચ્છો છો? તો હિન્દુ પક્ષે જવાબ આપ્યો કે તેઓ સીમિત સ્તરે પૂજાની માંગણી કરી રહ્યા છે. મસ્જિદનો ઉલ્લેખ કરતા જજે કહ્યું કે જે મસ્જિદની વાત થાય છે તેનો ઉપયોગ હાલ થતો નથી. તે મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવાની માગણી કેમ કરાઈ છે? તો હિન્દુ પક્ષે કહ્યું કે અનેક એવી સંરક્ષિત જગ્યાઓ છે જ્યાં પૂજા પાઠ થાય છે. કોર્ટે પણ સ્વીકારતા કહ્યું કે હા થાય છે, પરંતુ તમે ત્યાં મંદિર બનાવવાની માંગણી કરો છો. 800 વર્ષ પહેલા મંદિર હતું તેને ફરીથી બનાવવાની કાયદાકીય માંગણી કેવી રીતે થઈ શકે? સાચી વાત એ છે કે ઈમારત 800 વર્ષ પહેલા જ અસ્તિત્વ ગુમાવી ચૂકી છે.
આ દલીલ બાદ હિન્દુ પક્ષ તરફથી હરિશંકર જૈને જવાબ આપતા અયોધ્યા કેસનો દાખલો આપ્યો. તેમણે કહેવા મુજબ સુપ્રીમ કોર્ટે તે સમયે કહ્યું હતું કે દેવતાઓનું અસ્તિત્વ હંમેશા હોય છે. જે જમીન દેવતાની હોય છે તે જ્યાં સુધી તેમનું વિસર્જન ન થાય ત્યાં હંમેશા તેમની જ રહે છે. અયોધ્યાના ચુકાદામાં પાંચ જજની બેન્ચે આ સ્વીકાર્યું હતું. કોઈ દેવતાની મૂર્તિને નષ્ટ કરવામાં આવે કે મંદિર તોડી નાખવામાં આવે તો પણ દેવતા તેમની દિવ્યતા અને પવિત્રતા ગુમાવતા નથી. એવું કહેવાયું છે કે ત્યાં હજુ પણ મહાવીર સ્વામી, દેવીઓ અને ગણેશ ભગવાનની તસવીરો છે.
આ સમયે કોર્ટે પૂછ્યું કે ત્યાં મૂર્તિઓ પણ છે? તો જૈને કહ્યું કે હા છે. કોર્ટે જ તેના સંરક્ષણ માટે કહ્યું હતું. એક લોખંડનો સ્તંભ છે જે પૂજા સંબંધિત છે. સ્તંભ પર સંસ્કૃતમાં લખાણ પણ છે. હિન્દુ પક્ષના વકીલના કહેવા મુજબ જો દેવતાઓનું અસ્તિત્વ હોય તો પૂજાનો હક પણ છે.
જજે પછી કહ્યું કે દેવતા 800 વર્ષ સુધી પૂજા વગર ત્યાં છે તો તેમને એમ રહેવા દેવામાં આવે. આ મામલો તમને ત્યાં પૂજાનો હક છે કે નહીં તેનો છે. જો ત્યાં મૂર્તિઓ છે તો પણ તેમને સંરક્ષિત કરવાનો આદેશ હતો. બીજી બાજુ જૈને કહ્યું કે જગ્યાને વિવાદિત ન કહેવાય કારણ કે છેલ્લા 800 વર્ષથી ત્યાં નમાજ પઢાઈ જ નથી.
એએસઆઈનું સોગંદનામું
હવે આ અરજી પર એએસઆઈ દ્વારા કોર્ટમાં જવાબ દાખલ કરાયો છે. એએસઆઇના કહેવા મુજબ કુતુબ મિનારને 1914થી સંરક્ષિત સ્મારકનો દરજ્જો પ્રાપ્ત છે. તેની ઓળખ બદલી શકાય નહીં. સ્મારકમાં પૂજાની પણ મંજૂરી આપી શકાય નહીં. સંરક્ષિત થયું ત્યારથી અહીં ક્યારેય પૂજા કરાઇ નથી. એએસઆઈએ એમ પણ કહ્યું કે હિન્દુ પક્ષની અરજી કાયદાકીય રીતે યોગ્ય નથી. આ મામલો જૂના મંદિરને તોડીને કુતુબ મિનાર પરિસર બનાવવવાના ઐતિહાસિક તથ્યનો પણ મામલો છે. કુતુબ મિનારમાં હાલ કોઈને પણ પૂજાનો હક નથી. જ્યારથી સંરક્ષિત કરાયું ત્યારથી કોઈ પૂજા નથી થઈ. આવામાં પૂજાની મંજૂરી આપી શકાય નહીં. આ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્મારક છે જેના કારણે પૂજાની મંજૂરી ન આપી શકાય.

કુતુબ મિનાર સન ટાવર છે, વિક્રમાદિત્યએ બનાવ્યો હતો

આર્કિયોલોજિકલ સર્વ ઓફ ઇન્ડિયાના એક પૂર્વ અધિકારીએ કુતુબ મિનારને લઇને મોટો દાવો કર્યો છે. આ દાવા અનુસાર કુતુબ મિનારનું નિર્માણ પાંચમી સદીમાં રાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. આ સ્મારક નિર્માણનો હેતુ સૂરજની બદલાતી ગતિને જોવાનો હતો. આથી તે કોઇ મિનાર નહીં, પરંતુ સન ટાવર છે.
કુતુબ મિનાર થોડોક ઢળતો જોવા મળે છે, જેનો ઝુકાવ 25 ઇંચ જેટલો છે. 21 જૂનના રોજ આ ટાવરમાં અડધો કલાક માટે સૂર્યનો પ્રકાશ જોવા મળતો નથી. આથી આ સ્મારકનો હેતુ વેધશાળાની જેમ કરવાનો હોય તેમ જણાય છે. કુતુબ મિનાર એ સાવ અલગ જ પ્રકારનો ઢાંચો છે તેની આસપાસ કોઇ જ મસ્જિદ નથી. કુતુબ મિનારનો દરવાજો ઉત્તર દિશામાં છે, જેનો હેતુ ધ્રુવનો તારો જોઇ શકાય તેવો હતો. તેમણે પોતાના દાવા અંગે સાબિતિ અને પુરાવો રજૂ કરવા માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું છે.
વર્તમાન સમયમાં કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કુતુબ મિનાર અંગેના દાવાથી કૂતુહલ જાગ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દાવો એએસઆઇના પૂર્વ ક્ષેત્રીય નિર્દેશક ધર્મવીર શર્માએ દાવો કર્યો છે. તેમના માનવા પ્રમાણે કુતુબ મિનારનું નિર્માણ રાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter