શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં ૨૭મીએ વહેલી સવારે ૪.૧૫ કલાકે આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાયો હતો. આ આર્મી કેમ્પ એલઓસી નજીક ચૌકીબલનાં પંજગામમાં આવેલો છે. આર્મી પર કરાયેલા હુમલામાં ભારતના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ હુમલામાં આર્મીના એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાને શહીદી વહોરી હતી. જ્યારે પાંચ જવાનોને ઈજા થઈ હતી. એક નાગરિકનું મોત થયું હતું. આતંકીઓ જૈશ-એ-મુહમ્મદના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પાંચ ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને સારવાર માટે શ્રીનગર લઈ જવાયા હતા. પોલીસે મહિલાઓને ઉશ્કેરનારા અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીની ધરપકડ કરી હતી. કેમ્પમાં અન્ય બે આતંકી છુપાયાની શંકાને આધારે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
હુમલો કરનારા આતંકીઓ બેથી ચારની સંખ્યામાં હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ આધુનિક હથિયારોથી સજ્જ હતા. આર્મીની ૩૧૦ જીઆર રેજિમેન્ટની શિબિર પર તેમણે હુમલો કર્યો હતો. આતંકીઓએ લશ્કરના જવાનનો ડ્રેસ પહેર્યો હતો. જવાનોની એક ટુકડી પેટ્રોલિંગ કરીને પાછી આવવાના અને બીજી ટુકડી પેટ્રોલિંગ માટે બહાર જવાના સમયે આ હુમલો કરાયો હતો. એન્ટ્રી પોઇન્ટ પરના જવાને પહેલાં તેમને તેમની ટુકડીના જવાનો જ સમજ્યા હતા, પણ તરત જ તેને ખ્યાલ આવી ગયો હતો કે આ તો આતંકીઓ છે. તેણે તરત જ પોઝિશન લેવાની કોશિશ કરી ત્યાં આતંકીઓએ ગ્રેનેડ ફેંકીને ફાયરિંગ શરૂ કર્યું હતું. આતંકીઓ કેમ્પમાં દાખલ થવામાં સફળ રહ્યા હતા. સવારે ૬ વાગ્યા સુધીનાં એન્કાઉન્ટરમાં એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાન શહીદ થયા હતા. શહીદ કેપ્ટનનું નામ આરૂષ છે જ્યારે શહીદ સુબેદારનું નામ ભૂપસિંહ હતું. શહીદ જવાનનું નામ જાણવા મળ્યું નથી. આતંકીઓેએ જ્યાં હુમલો કર્યો હતો તે પંજગામનો આર્મી કેમ્પ શ્રીનગરથી ૮૭ કિ.મી. અને પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદથી ૭૪ કિ.મી. દૂર છે.
ગૃહ પ્રધાનની હાઈલેવલ મિટિંગ
કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે કાશ્મીરની સ્થિતિની ચર્ચા કરવા માટે ઉચ્ચ કક્ષાના રાજકીય અગ્રણી અને સેનાના અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, આર્મીના જવાનો પર સ્થાનિક યુવકો દ્વારા કરાતો પથ્થરમારો તેમજ કાશ્મીરને કેન્દ્રએ આપેલાં સ્પેશિયલ પેકેજનાં ઉપયોગ જેવા મુદ્દાઓની સમીક્ષા કરાઈ હતી. કાશ્મીરમાં ચાલુ રહેલી અવિરત હિંસાને બંધ કરવા ભાવિ રણનીતિ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે. બેઠકમાં મંત્રાલયના અધિકારીઓ ઉપરાંત આર્મી, પોલીસ, અર્ધસૈનિક દળોના અધિકારીઓ પણ સામેલ હતા. કાશ્મીરમાં સુરક્ષાદળો સામે વધી રહેલા પડકારોના સંદર્ભમાં આ બેઠક મહત્ત્વની હતી.