નવી દિલ્હીઃ એમસીડીની ચૂંટણીમાં તેમજ પંજાબ અને ગોવાની ચૂંટણીમાં કારમી હાર થયા પછી આમ આદમી પાર્ટીમાં ફૂંકાયેલો બળવાનો પવન હાલમાં તો શમી ગયો છે. પાર્ટીમાં ભાગલા પડતાં રહી ગયા છે. પાર્ટીના અસંતુષ્ટ નેતા કુમાર વિશ્વાસને હાલમાં મનાવી લેવાયા છે. આ સાથે કુમાર વિશ્વાસની વફાદારી સામે સવાલ ઉઠાવનારા અમાનતુલ્લા ખાનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી બનાવાયા છે. આ જોતાં પાર્ટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હાલ પૂરતી શમી છે, રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, પક્ષમાં આંતરિક ખેંચતાણ આગળ જતાં ચાલુ રહેશે.
આ વર્ચસ્વની લડાઈ નથી: વિશ્વાસ
‘આપ’ના સંવાહક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ સાથેની પીએસીની બેઠકને અંતે કુમાર વિશ્વાસે મીડિયાને જણાવ્યું હતું કે આ કોઈ વર્ચસ્વની લડાઈ નથી કે મારે પાર્ટીના કન્વીનર પણ બનવું નથી. પાર્ટીએ ભૂતકાળમાં જે કંઈ ભૂલો કરી હતી તે સુધારવા મેં અવાજ ઉઠાવ્યો હતો. મેં મારી ચિંતા પાર્ટીના નેતાઓ સમક્ષ રજૂ કરી હતી, જ્યારે જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે ચર્ચાવિચારણા ચાલુ રાખવી જોઈએ. ત્રીજીએ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલનાં ઘરે પાર્ટીની બેઠકમાં લાંબી ચર્ચાવિચારણાને અંતે ઘીનાં ઠામમાં ઘી ઢોળાઈ ગયું હતું.
વિશ્વાસ બતાવે કે કોણે કાનભંભેરણી કરી છે: અમાનતુલ્લા
સસ્પેન્ડ થયા પછી અમાનતુલ્લાએ કહ્યું કે, આ પાર્ટીનો નિર્ણય છે. હું તો એક કાર્યકર્તા છું. હું બીજી પાર્ટીમાંથી આવેલો છું. જો કુમાર વિશ્વાસ એવું કહેતા હોય કે તેમની વિરુદ્ધ કાવતરું કરાયું છે તો મારી કાનભંભેરણી કરનાર કોણ છે તે બતાવે? મનીષ સિસોદિયા પણ અમાનતુલ્લાને પણ મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમાનતુલ્લાના આક્ષેપોની સમિતિ દ્વારા સત્યતા તપાસવામાં આવશે અને અમાનતુલ્લાની રજૂઆતો પણ સાંભળવામાં આવશે. સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી અમાનતુલ્લા સસ્પેન્ડ રહેશે.