બેંગ્લૂરુઃ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાને પગલે સર્જાયેલી રાજકીય અંધાધૂંધી બાદ ૨૩ મેના રોજ સાંજે ૪.૩૦ કલાકે જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ. ડી. કુમારસ્વામીએ કોંગ્રેસનાં સમર્થન સાથે મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. ૫૫ કલાકની યેદીયુરપ્પા સરકારનાં પતન પછી રાજ્યપાલે જનતા દળ(એસ)-કોંગ્રેસ ગઠબંધનને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. કર્ણાટકમાં ભાજપને મળેલી પછડાટ બાદ યોજાયેલા આ શપથગ્રહણ સમારોહે આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં વિરોધ પક્ષોને એક મંચ પર આવવાની તક આપી હતી. કુમારસ્વામીનાં શપથગ્રહણ સમારંભમાં દેશની ૧૩ રાજકીય પક્ષોના વડાઓ અને મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા. આમ વિરોધ પક્ષ દ્વારા ભાજપ સામે પ્રચંડ શક્તિપ્રદર્શન થયું હતું.
કુમારસ્વામીની સાથે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ જી. પરમેશ્વરે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત ગઠબંધન માટે સધાયેલી સમજૂતી અનુસાર કોંગ્રેસના નેતા રમેશ કુમાર આગામી સ્પીકર બનશે. પ્રધાનમંડળમાં કોંગ્રેસના ૨૨ અને જનતા દળ (એસ)ના ૧૨ પ્રધાનને સ્થાન અપાશે. શુક્રવારે વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કર્યા પછી તેઓ શપથ ગ્રહણ કરશે.
કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહ પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું કે પ્રાદેશિક પાર્ટીઓ કોઈનાથી ગભરાતી નથી. અમે એકબીજના સંપર્કમાં રહીશું, જેથી દેશના વિકાસ માટે કામ કરી શકીએ.
... તો ભાજપ માટે જોખમ
કુમારસ્વામીના શાનદાર શપથ સમારોહના પરદા પાછળ ખરેખર તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના આકાર લઈ રહી છે. આ મંચ ઉપર હાજર રહેલા ૧૩ પક્ષોના વડા અને પ્રમુખ મોદીવિરોધી મોરચો તૈયાર કરવાની ફિરાકમાં છે. આ તમામ લોકોએ લોકસભા માટે મહાગઠબંધનની વાત કરી છે. જોકે મહત્ત્વની બાબત એ છે કે, જાણકારોના મતે આ ગઠબંધન ૨૦૧૯ સુધી ટકે તો જ ભાજપને હરાવી શકાય તેમ છે.
હાલમાં આ ગઠબંધન પાસે લોકસભાની કુલ ૧૩૨ બેઠકો છે. બહુજન સમાજ પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોક દળ (આરએલડી) પાસે હાલમાં લોકસભાની એક પણ બેઠક નથી. ભાજપની ૨૭૨ બેઠકો સામે આ બેઠકોનું પ્રમાણ ૪૮ ટકા છે. આ ગઠબંધનના પક્ષો લોકસભા દરમિયાન યોગ્ય રીતે બેઠકોની વહેંચણી કરે અને કોઈના મત ન કપાય તે રીતે ગોઠવણ કરે તો જ તેમનું જોર વધી શકે છે અને ભાજપને મુશ્કેલી પડી શકે છે.
ભાજપે શપથ સમારોહનો બહિષ્કાર કર્યો
કર્ણાટકમાં સત્તાસંઘર્ષ મધ્યે ભાજપે કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. યેદિયુરપ્પાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સત્તાની લાલચમાં રચાયેલી કોંગ્રેસ-જનતા દળ (એસ) સરકાર ત્રણ મહિના કરતાં વધુ ચાલશે નહીં.
ગઠબંધન સરકાર એક પડકાર: કુમારસ્વામી
કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, ગઠબંધન સરકારનું સંચાલન એ મારા જીવનનો સૌથી મોટો પડકાર છે. મને નથી લાગતું કે, હું મુખ્ય પ્રધાન તરીકે મારી જવાબદારીઓ સહેલાઈથી પૂરી કરી શકીશ. શપથ પહેલાં શૃંગેરી મઠની મુલાકાતે પહોંચેલા કુમારસ્વામીએ જણાવ્યું હતું કે ફક્ત મને જ નહીં, પરંતુ રાજ્યનાં લોકોને પણ શંકા છે કે આ સરકાર સારી રીતે ચાલશે કે કેમ? પરંતુ મને વિશ્વાસ છે કે ભગવાનના આશીર્વાદથી બધું પાર પડશે.