નવી દિલ્હી: ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં દિલ્હી સીબીઆઈની વિશેષ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સહિત પાંચ આરોપીઓને પુરાવા અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. જોકે, તે પૈકીના મુન્ના બજરંગીની થોડા સમય પહેલાં જ જેલમાં હત્યા થઈ ગઈ હતી. છેલ્લા ૧૪ વર્ષથી ચાલી રહેલા આ કેસની નિષ્પક્ષ સુનાવણી માટે તેને ઉત્તર પ્રદેશથી દિલ્હીની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જેમાં તમામ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવાનો આદેશ અપાયો હતો.
૨૦૦૨માં ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાની મોહમ્મદાબાદ બેઠક પરથી કૃષ્ણાનંદ રાયને ઉમેદવાર જાહેર કરાયા હતા અને તેઓ વિજેતા બન્યા હતા. આ કારણે મુખ્તાર અંસારી અને કૃષ્ણાનંદ રાય વચ્ચેની દુશ્મની વધી હતી અને યુપી ટાસ્ક ફોર્સે કૃષ્ણાનંદ રાયને તેમના પર હુમલો થઈ શકે છે તેવી ચેતવણી પણ આપી હતી.

