કે.સિવાનઃ ખેડૂતપુત્રથી ‘ઇસરો’ના રોકેટમેન

Wednesday 11th September 2019 04:54 EDT
 
 

નવી દિલ્હીઃ ખેતરમાં ઉઘાડા પગે કામ કરવાથી માંડીને વિશ્વની ટોચની અવકાશ સંસ્થા ‘ઇસરો’ના ટોચના સ્થાન સુધી પહોંચવા સુધીની કે. સિવાનની ગાથા પ્રેરણાદાયી છે. તેમનું આખું નામ ડો. કેલાસાવડિવ સિવાન પિલ્લાઈ છે. ૧૪ એપ્રિલ ૧૯૫૭ના રોજ જન્મેલા સિવાન સ્પેસ ડિપોર્ટમેન્ટ અને સ્પેસ કમિશનના સેક્રેટરી અને ‘ઇસરો’ના વડા છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર સિવાન ‘રોકેટમેન’ તરીકે જાણીતા છે. તેમણે ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે ક્રાયોજેનિક એન્જિનના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સિવાન ૧૯૮૨માં ‘ઇસરો’માં જોડાયા ત્યારથી રોકેટ સંબંધિત તમામ પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે. જાન્યુઆરી ૨૦૧૮માં ‘ઇસરો’ના વડા બનતા પહેલાં તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના વડા હતા. તેમણે ૧૦૪ સેટેલાઈટના લોન્ચમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સિવાનને તમિળ કલાસિકલ ગીતો સાંભળવાનો અને બગીચામાં માળીકામ કરવાનો શોખ છે.

પરિવારના પહેલા ગ્રેજ્યુએટ

સિવાન તેમના પરિવારના પહેલા ગ્રેજ્યુએટ છે. તેમણે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ નાગરકોઈલની હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. સિવાને ૧૯૮૦માં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)માંથી એરોનોટિકલ એન્જિનિયરીંગમાં સ્નાતક ડિગ્રી મેળવી. ૧૯૮૨માં આઇઆઇ-એસસીમાંથી એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રી મેળવી. ૨૦૦૬માં આઈઆઈટી-બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. થયા. ખુદ સિવાન કહે છે કે, પગરખા કે ચંપલ વગર મેં બાળપણ પસાર કર્યું છે. હું કોલેજ સુધી ધોતી જ પહેરતો હતો. એમઆઈટીમાં દાખલ થયો ત્યારે પહેલી વાર પેન્ટ પહેરતા શીખ્યો.
સિવાન ૧૯૮૨માં ‘ઇસરો’ના પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ પ્રોજેક્ટમાં જોડાયા હતા. સિવાને એવી પદ્ધતિ વિકસાવી છે જે હવામાનની કોઈ પણ સ્થિતિમાં રોકેટ લોન્ચને સક્ષમ બનાવે છે. તેમણે કારકિર્દીમાં અનેક સન્માન મેળવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter