કેટલાકના મતે બંધારણીય પગલું, કેટલાકને મતે ગેરબંધારણીયઃ કાનૂનવિદોમાં મતભેદ

Sunday 11th August 2019 07:54 EDT
 

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં અમલી કલમ ૩૭૦ના ખંડ બે અને ત્રણને સરકારે સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા નિષ્પ્રભાવી બનાવી દીધા છે. આ મુદ્દે દેશના બંધારણીય નિષ્ણાતોનો વિભિન્ન મત છે. કેટલાક તેને બંધારણીય પગલું ગણાવે છે તો કેટલાક તેને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવે છે.
બંધારણના નિષ્ણાત ફૈઝાન મુસ્તફાનું કહેવુ છે કે આર્ટિકલ ૩૭૦ને સંપૂર્ણ રીતે હટાવાયો નથી. ભારત સરકારે માત્ર કલમના ખંડ એક સિવાય અન્ય બે જોગવાઇઓને બિનઅસરકારક બનાવી છે. ખંડ એક હેઠળ ભારતીય બંધારણ દ્વારા નિર્મિત તમામ કાયદા અને તેમના સુધારા જમ્મુ-કાશ્મીરમાં લાગુ રહેશે.
આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વાત એ છે કે જમ્મુ-કાશ્મીરનો માત્ર વિશેષ રાજ્યનો દરજ્જો જ છીનવાયો નથી પરંતુ તેનો રાજ્ય હોવાનો દરજ્જો પણ છીનવી લીધો છે. એવું પહેલી વખત થયું છે કે કોઇ રાજ્યને બે ભાગમાં વહેંચી તેને કેન્દ્ર શાસિત બનાવી દેવાયો છે. મુસ્તફાનું કહેવું છે કે સરકારે આ બધુ જે રીતે કર્યું તે એક રીતે ઠોકી બેસાડેલું લાગે છે. હવે આ મામલાને સુપ્રીમમાં પડકારવાથી પણ કાંઇ ખાસ થવાનું નથી. કોર્ટનો ચુકાદો આવવામાં વર્ષો નીકળી જશે. એ પણ કહી શકાય નહીં કે એ ચુકાદો પક્ષમાં કે વિરોધમાં હશે.
બંધારણીય નિષ્ણાત પી.ડી.પી. અચારીનું કહેવું છે કે એક સફરજનમાંથી બધું જ કાઢી લીધું અને આકાર એ જ રહેવા દીધો, સોમવારે થયેલા ફેરફાર પછી આર્ટીકલ ૩૭૦ પણ આવી જ બની ગઇ છે. ૧૯૫૪માં રાષ્ટ્રપતિના સુધારાથી જે જોગવાઇ શરૂ કરાઇ હતી, તે તમામ ખતમ કરી દેવાઇ. આમ ૧૯૫૪થી અત્યાર સુધી બંધારણના તમામ સુધારા અને દેશના બધા કાયદા હવે જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ થશે.
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે જમ્મુ-કાશ્મીરને બે ભાગોમાં વહેંચવા અંગે કહે છે કે આ સ્ટેટ રી- ઓર્ગેનાઇઝેશન હોય છે. જેમ છત્તીસગઢને અલગ કરાયું હતું. ફેર અહીં એટલો છે કે ત્યાં એસેમ્બલી અત્યારે સેશનમાં નથી.
અન્ય બંધારણવિદ્ના મતે કેન્દ્ર સરકારનો ગેરકાયદે અને ગેરબંધારણીય નિર્ણય છે. કલમ ૩૭૦ની જોગવાઇને માત્ર બંધારણીય સભા દ્વારા જ ખતમ કરાવી શકાય છે. અને આ સભા તો ૧૯૫૬માં જ ભંગ કરી દેવાઇ હતી. તેથી હાલની સરકાર બંધારણ સભા વિના તેને કેવી રીતે ખતમ કરી શકે છે. જો તમે આ વાતનો તર્ક આપવા માગતા હો કે કલમ ૩૭૦ ક્યાં હટાવાઇ છે તેનો એક ખંડ તો બાકી છે. એનો મતલબ એ છે કે કાશ્મીર ભારતીય ખંડનો હિસ્સો બની રહેશે, પરંતુ તે બંધારણીય રીતે સંભવ નથી.
સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે કલમ ૩૭૦ને કાયદાકીય જોગવાઇથી લાગુ કરાઇ હતી અને હવે તેને એ રીતે જ નાબૂદ કરી દેવાઇ છે. સરકારનું આ પગલું ગેરબંધારણીય નહીં કહેવાય કારણ કે કલમ ૩૭૦ હેઠળ રાષ્ટ્રપતિને જમ્મુ-કાશ્મીર માટે નિર્ણયો લેવા અને આદેશો જારી કરવાનો અધિકાર છે. જે જોગવાઇ રાષ્ટ્રપતિને આ અધિકાર આપે છે તે સિવાયના બે ખંડોને બિનઅસરકારક કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાને પડકારવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટમાં પણ ટકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter