કેદારનાથઃ ભગવાન શિવનાં ૧૨ જ્યોતિર્લિગ પૈકીના બાબા કેદારનાથના દ્વાર રવિવારે સવારે ૬.૧૦ કલાકે ખોલવામાં આવ્યા હતા. મંત્રોચ્ચાર સાથે જ ૬ મહિના માટે કેદારનાથના દ્વાર ખૂલતા હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક બાબાના દર્શન કર્યાં હતાં. દ્વાર ખુલ્યા પછી મંદિરમાં પૂજા અર્ચના કરાઈ હતી. ૨૦ ક્વિન્ટલ ફૂલોથી આખા કેદારનાથ ધામને શણગારવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે બાબા કેદારનાથ ઉખીમઠનાં ઓમકારેશ્વર મંદિરમાં રહે છે અને ૬ મહિના કેદારનાથમાં બિરાજે છે. ઓમકારેશ્વર મંદિરમાંથી ૨૬ એપ્રિલે બાબાની પાલખી કાઢીને તેમને કેદારનાથ લાવવામાં આવ્યા હતા તેના પર જળાભિષેક અને રૂદ્રાભિષેક કરાયો હતો.