દેહરાદૂન: ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ ગયા બાદ નવમીએ વહેલી સવારે ૫.૩૫ કલાકે કેદારનાથ મંદિરમાં કપાટ ખૂલ્યાં હતાં. દસમીએ સવારે ૪.૧૫ કલાકે બદ્રીનાથ ધામના પણ કપાટ ખૂલી જવાના અહેવાલ હતાં. હવે છ મહિના સુધી ભાવિકો ચાર ધામની યાત્રા કરી શકશે. કેદાનાથ મંદિરના કપાટ ખૂલ્યાં ત્યારે આશરે પાંચ હજાર ભાવિકો દર્શન માટે ત્યાં હાજર હતા. શિયાળાના છ મહિના માટે મંદિર બંધ હોય ત્યાર એમાં જ્યોતના દર્શનને ઘણા પુણ્યશાળી માનવામાં આવે છે. મંદિરના કપાટ ખૂલ્યાં ત્યારે જમ્મુ-કાશ્મીર ઇન્ફ્રટ્રી બેન્ડ દ્વારા ધૂન વગાડવામાં આવી હતી અને ‘હર હર મહાદેવ’ અને ‘જય જય કેદાર’ના નારથી પરિસર ગાજી ઊઠ્યું હતું મંદિર પરિસરમાં બરફની માત્રા ઓછી હતી, પણ દૂર પહાડો પર બરફ જોવા મળ્યો હતો.
ઉત્તરાખંડમાં ગરમીની મોસમમાં ચારધામ યાત્રા કરવામાં આવે છે અને હિંદુ ભાવિકો ગંગોત્રી, યમુનોત્રી, બદ્રિનાથ અને કેદારનાથના દર્શન કરે છે. આ ચાર પાવન ધામ માનવામાં આવે છે. ગંગા નદી ગંગોત્રીથી અને યમુના નદી યમુનોત્રીથી શરૂ થાય છે. આ બે તીર્થ ઉત્તરકાશી જિલ્લામાં છે. બદ્રી વિશાલ (ભગવાન વિષ્ણુ)નું પવિત્ર સ્થળ બદ્રીનાથ ધામ ચમોલી જિલ્લામાં અને ભગવાન શિવનું પવિત્રધામ કેદારનાથ રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.
સ્કંદપુરાણમાં જણાવવામાં આવ્યા મુજબ આ વિસ્તારને કેદારખંડ કહેવામાં આવ્યો છે. મહાભારતના યુદ્ધ બાદ પરિજનોની હત્યાનું પાપ ધોવા માટે પાંડવો અહીં પૂજા કરવા આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આઠમી કે નવમી સદીમાં શંકરાચાર્ય દ્વારા કેદારનાથનું મંદિર બનાવવામાં આવ્યું હતું. કેદારનાથ મંદિર સમુદ્રની સપાટીથી ૩૫૦૦ મીટર ઉપર છે અને આખું વર્ષ ત્યાં બરફ જામેલો રહે છે. ચમોલી જિલ્લામાં શિવના ૨૦૦થી વધારે મંદિર છે, પણ સૌથી મોટું મંદિર કેદારનાથ છે.