ઋષિકેશઃ ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યાના ભૂતકાળના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. એક જ મહિનામાં આ યાત્રા માટે ૧૪ લાખ શ્રદ્ધાળુ આવી ચૂક્યા છે, અને હજુ તેમનું આગમન ચાલુ જ છે. સાત મહિના ચાલનારી આ યાત્રામાં ૨૦૧૯માં ૩૪ લાખ શ્રદ્ધાળુ આવ્યાનો રેકોર્ડ છે. ત્યાર પછી કોરોનાના કારણે આ યાત્રા બે વર્ષ ફક્ત સાંકેતિક યાત્રા જ થઈ હતી. આ યાત્રા ઓક્ટોબર સુધી ચાલે છે. શ્રદ્ધાળુઓનો ધસારો એટલો બધો છે કે પહેલી વાર કેદારનાથ ધામના રસ્તામાં પગપાળા ચાલનારા યાત્રીઓથી પણ ચક્કાજામ થઇ રહ્યો છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની આ યાત્રાના રજિસ્ટ્રેશન માટે ઘણી જહેમત ઉઠાવવી પડી રહી છે. બીજી તરફ, ભારે ધસારાના લીધે અનેક લોકોને રહેવા માટે હોટેલ કે હોમ સ્ટેનું બુકિંગ પણ નથી મળી રહ્યું. તંત્રએ પહેલાં જ સ્પષ્ટતા કરી કહ્યું છે કે જો રહેવાની આગોતરી વ્યવસ્થા ના થઈ હોય તો યાત્રા કરવાનું ટાળજો, જેથી શ્રદ્ધાળુઓએ વધુ કોઈ મુશ્કેલી ઉઠાવવી ના પડે. ઉત્તરાખંડના પ્રવાસન સચિવ દિલીપ જાવલકરે કહ્યું કે, આ વખતે યાત્રીઓ આવવાના પાછલા તમામ રેકોર્ડ તૂટી શકે છે.
30 હજારથી વધુને રોજગારી
ઋષિકેશના ચાર ધામ માટે દરરોજ હજારો વાહનોમાં આશરે 50 હજાર શ્રદ્ધાળુ રવાના થઈ રહ્યા છે. તેનાથી એ હજારો ચહેરા પર હાસ્ય પાછું ફર્યું છે, જેઓ બે વર્ષથી બેરોજગાર બેઠા હતા. ઉત્તરાખંડ પ્રવાસન વિભાગના મતે, આ યાત્રા રૂટ પર 5000થી વધુ વેપારી એકમો છે. તેમાં ઢાબા, હોટલ, હોમ સ્ટે, કરિયાણાની દુકાનો, મિકેનિક વગેરે સામેલ છે. આ યાત્રાથી કુલ 30 હજાર લોકોને રોજગારી મળી છે. કોરોનાના કારણે બે વર્ષથી અહીં ધંધા-વેપાર ઠપ હતા. કેટલાક પરિવાર વતન છોડીને શહેરોમાં મજૂરી કરવા જતા રહ્યા હતા. જોકે હવે તેઓ પાછા ફર્યા છે, અને રોજગારી મળતાં ખુશખુશ છે.
રૂટ પરનાં ગામોની સમૃદ્ધિ વધી
ચારધામ રૂટ પરનાં અનેક ગામમાં હિજરત ચાલુ હતી. હવે આ ગામમાંથી પસાર થતાં રસ્તા પર પણ ઢાબા ખૂલી ગયા છે. રતુડા ગામમાં ઢાબા ચલાવતા રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે તેઓ દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં હોટલમાં કામ કરતા હતા, પરંતુ હવે તે પાછા ફર્યા છે. હવે લાગે છે કે શહેરોમાં કામ માટે જવું નહીં પડે. આ રૂટ પરના ગામોની સમૃદ્ધિ વધી રહી છે એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી.


