નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કેબિનેટમાં મોટા પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ અંગે મીડિયાને અહેવાલ છે કે આ ફેરફાર રવિવારે થઈ શકે છે. રવિવારે સવારે પ્રધાનમંડળનો વિસ્તાર થઈ શકે અને નવા પ્રધાનો શપથ પણ ગ્રહણ કરી શકે છે. નવા પ્રધાનમંડળમાં કોણ સામેલ હોઈ શકે? તે પણ જાણવા મળશે. ૩૧મી ઓગસ્ટે લગભગ ૫ જેટલા પ્રધાનોએ રાજીનામા આપ્યા પછી આ નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે. કૌશલ વિકાસ પ્રધાન રાજીવ પ્રતાપ રુડી, સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ફગ્ગન સિંહ કુલસ્તે અને કૃષિ રાજ્ય પ્રધાન સંજીવ બાલિયાએ રાજીનામા આપ્યાં છે. આ ઉપરાંત કલરાજ મિશ્ર, ઉમા ભારતીએ પણ રાજીનામાંની ઓફર કરી છે.
કહેવાય છે કે જળ સંસાધન પ્રધાન ઉમા ભારતીએ સ્વાસ્થ્યના કારણોને આગળ ધરીને રાજીનામાંની ઓફર કરી છે. માનવ સંસાધન રાજ્ય પ્રધાન મહેન્દ્રનાથ પાંડેને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવાયા છે જોકે એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત ફોલો થતાં તેમની પણ વિદાય થવાની વકી છે. રાજકીય વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ મધ્યમ અને લઘુ ઉદ્યોગ પ્રધાન કલરાજ મિશ્રાને રાજભવન મોકલાઈ શકે છે. મિશ્રા ૭૫ વર્ષથી વધુ ઉંમરના છે, પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને કેબિનેટમાં યથાવત રખાયા હતા.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારની પસંદના બે જનતાદળ (યુ)ના નેતાઓને કેન્દ્રીય પ્રધાનપદ મળી શકે છે. જેડીયુમાંથી રામચંદ્ર પ્રસાદ સિંહ અને પૂર્ણિયાથી સાંસદ સંતોષ કુશવાહાને પ્રધાન બનાવવાની અટકળો ચાલે છે. વારંવાર રેલ અકસ્માતોના કારણે આલોચનાથી ઘેરાયેલા રેલ પ્રધાન સુરેશ પ્રભુને પણ નવી જવાબદારી અપાઈ શકે છે. તેઓ વાજપેયી સરકારમાં પર્યાવરણ પ્રધાન તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.
નવથી દસને અલવિદાની વકી
અટકળો મુજબ પ્રધાનમંડળમાંથી ૯થી ૧૦ પ્રધાનોને અલવિદા કહેવામાં આવી શકે છે. વિદાય થયેલા પ્રધાનોને પાર્ટી સંગઠનમાં નવી જવાબદારી સોંપાઈ શકે છે. વર્ષ ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર અને વિસ્તરણ મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી ઓગસ્ટે સાંજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે આ મુલાકાત પ્રધાનમંડળમાં વિસ્તરણને લઈને થઈ હતી.