ગુરુદાસપુરઃ પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે ડેરા બાબા નાનક – કરતારપુર સાહિબ માર્ગ કોરિડોરના આધારશિલા કાર્યક્રમમાં પાકિસ્તાની સૈન્યના વડા કમર બાજવાને સખત ચેતવણી આપી છે. કેપ્ટન અમરિન્દરે કહ્યું હતું કે પાકિસ્તાની સૈન્ય વડા બાજવા યાદ રાખે કે અમારી નસોમાં પણ પંજાબીઓનું લોહી વહે છે. પંજાબમાં કોઈ ગરબડ કરવા પ્રયાસ કરશો તો પાઠ ભણાવવામાં આવશે.
શીખોના પ્રથમ ગુરુ નાનકદેવની ૨૦૧૯માં આવી રહેલી ૫૫૦મી જયંતી પહેલાં ભારત અને પાકિસ્તાનમાં કરતારપુર સાહિબના મુદ્દે ગરમાયેલો છે. પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાની જાહેરાત કર્યા પછી ભારતે પણ કરતારપુર કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી. સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુરુદાસપુરમાં કરતારપુર કોરિડોરની આધારશીલા મૂકી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને હરસિમરત કૌર બાદલ ઉપરાંત પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ પણ હાજર રહ્યા હતા. સમારંભને સંબોધતાં પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહે જણાવ્યું હતું કે, હું પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનનો આભાર માનવા માગું છું પણ સાથે જ પાકિસ્તાની સૈન્યના વડા જનરલ બાજવાને સંદેશ પણ આપવા માગું છું. પાકિસ્તાનમાં જે ચીફ ઓફ આર્મી સ્ટાફ છે તેઓ મારાથી ખૂબ પાછળ છે. હું તો જનરલ મુશર્રફ કરતાં પણ સિનિયર છું. તેમનું કમિશન ૧૯૬૪માં થયું હતું અને મારું ૧૯૬૩માં. અહીં સિનિયર જુનિયરની વાત કરવાની જરૂર નથી. હું એટલા માટે કહેવા માગું છે કે દરેક ફોજીને ખબર હોય છે કે બીજો ફોજી શું વિચારે છે.