કેરળના પુત્તિંગલ મંદિરમાં નવરાત્રિ નિમિત્તે આતશબાજીની સ્પર્ધામાં ૧૧૧ લોકો બળીને ભડથું

Monday 11th April 2016 08:58 EDT
 
 

કોલ્લમઃ કેરળના કોલ્લમ નજીકના પારાવુરમાં ૧૦૦ વર્ષ જૂનાં પુત્તિંગલદેવીનાં મંદિરમાં ૧૦મી એપ્રિલે સવારે આશરે ૩:૩૦ વાગ્યે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતાં આગમાં ૧૧૧થી વધુ લોકો હોમાઈ ગયા હતા અને ૩૮૩થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. એક તરફ બાઇકનાં ઇનામની લાલચમાં હાહાકાર સર્જાયો હતો અને એક તરફ ઇમારત ધસી રહી હતી. જોકે તંત્ર દ્વારા આતશબાજીની મંજૂરી અપાઈ નહોતી.

મંદિરમાં વાર્ષિકોત્સવ નિમિત્તે ૯મી એપ્રિલે રાત્રે આતશબાજીની સ્પર્ધાનું આયોજન થયું હતું. આ આતશબાજી જોવા માટે આશરે ૧૫,૦૦૦થી વધુ લોકો મંદિરમાં એકત્રિત થયા હતા. રાત્રે ૧૧:૩૦ કલાકે શરૂ થયેલી આતશબાજીના કારણે મંદિરના સ્ટોરમાં ગનપાઉડર, દારૂખાના અને કેમિકલનાં બેરલો પર ૧૦મી એપ્રિલે પરોઢિયે ૩:૩૦ કલાકે તણખાં પડતાં ભયાનક વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં મંદિરનો સ્ટોરરૂમ જમીનદોસ્ત થઈ ગયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં તેના અવાજ સંભળાયા હતા અને મંદિર નજીકની ઇમારતો ભૂકંપની જેમ ધ્રૂજી ઊઠી હતી. આગમાં કેટલાક લોકો તરત જ મૃત્યુ પામ્યા હતા તો દાઝેલાં લોકોએ નાસભાગ કરતાં ઘણાં લોકો ચગદાઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સહિત સેના, એનડીઆરએફ, હવાઈદળ અને નૌકાદળ રાહત અને બચાવકાર્યમાં લાગી ગયા હતા. વડા પ્રધાન મોદી તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ સાથે કેરળ રવાના થયા હતા.

આ ઘટના બાદ વડા પ્રધાને મૃતકોના પરિવારોને રૂ. બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦-૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે. જ્યારે કેરળ સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ૧૦-૧૦ લાખ અને ઘાયલોને રૂ. બે-બે લાખની સહાયની ઘોષણા કરી હતી. આ ઘટનાના પગલે કેરળના મુખ્ય પ્રધાન ઓમેન છેન્ડીએ તાકીદે કેબિનેટની બેઠક બોલાવી ક્રાઇમ બ્રાન્ચ તેમજ હાઈકોર્ટના જજ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા.

આતશબાજીની મંજૂરી બાબતે વિરોધાભાસી નિવેદનો

પુત્તિંગલદેવીનાં મંદિરમાં આતશબાજીની સ્પર્ધા યોજવાની પરવાનગી બાબતે વિરોધાભાસી નિવેદનો મળી રહ્યાં છે. કોલ્લમની જિલ્લા કલેક્ટરની કચેરીમાંથી જણાવાયું છે કે, મંદિરમાં આતશબાજીની સ્પર્ધા યોજવાની પરવાનગી નહોતી. બીજી તરફ સ્થાનિક લોકો કહે છે કે, ૯મી એપ્રિલે મોડી રાત્રે સત્તા અને ધાર્મિક સંગઠનોની પરસ્પરની સંમતિથી આતશબાજી પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો.

સત્તાવાળાઓ દ્વારા આતશવાજી માટે પરવાનગી અપાઈ હોવાના સ્થાનિક લોકોના દાવાને કોલ્લમના પોલીસ કમિશનર પી. પ્રકાશે નકારે છે. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક રહેવાસીઓ એમ કહી રહ્યા છે કે અમને કાર્યક્રમ યોજવા સત્તાવાળા દ્વારા મૌખિક સંમતિ અપાઈ હતી, પરંતુ હકીકત એ છે કે મંદિરપ્રશાસન પાસે આતશબાજી પરવાનગી નહોતી. પોલીસે તેમને કોઈ પરવાનગી આપી નહોતી.

ફરિયાદ પાછી ખેંચવા માટે ધમકી

મંદિર નજીક રહેતાં ૮૦ વર્ષનાં મહિલા પંકજાક્ષીની ફરિયાદના કારણે આતશબાજી પર પ્રતિબંધ હતો. પંકજાક્ષીએ ઘટના પછી મંદિર પ્રશાસન પર આરોપ મૂક્યો છે કે મેં નોંધાયેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે મને મંદિર સત્તાવાળાઓ અવારનવાર ધમકી આપતા હતા.

પોલીસે આતશબાજી અટકાવવા કહ્યું હતું

પોલીસ કમિશનર પી. પ્રકાશે જણાવ્યું હતું કે, પોલીસને ગેરમાર્ગે દોરીને મંદિરમાં આતશબાજીની સ્પર્ધા યોજાઈ હતી. પોલીસને ખોટી માહિતી અપાઈ હતી કે આયોજકોએ આતશબાજી યોજવા મૌખિક મંજૂરી માગી છે. પોલીસે આતશબાજી રોકવા આદેશ આપ્યો છતાં આયોજકોએ અનાદર કર્યો હતો.

મંદિરની કમિટી દ્વારા ગનપાઉડર, દારૂખાનાના મોટા જથ્થાનો સ્ટોરરૂમમાં સંગ્રહ

મંદિર નજીક બંધાયેલી ઇમારતના માલિકોએ જિલ્લા સત્તાવાળાઓને દુર્ઘટનાનો ભય વ્યક્ત કરતાં આતશબાજી વિરુદ્ધ ફરિયાદો કરી હતી. આતશબાજી પર પ્રતિબંધ લદાયા બાદ મંદિર કમિટીએ પ્રતિબંધમાં છૂટ આપવા વિનંતી કરી હતી. આરોપ છે કે મંદિર કમિટીએ ગોડાઉનમાં પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને મોટા જથ્થામાં ગનપાઉડરનો સંગ્રહ કર્યો હતો.

મંદિર પાસે ફક્ત ૧૫ કિલો ફટાકડા રાખવાનું લાયસન્સ

પોલીસે મંદિરમાં ફરજ બજાવતા સુરેન્દ્રન નામના માણસની ફટાકડાનો ગેરકાયદે રીતે વધારે જથ્થો રાખવા બદલ ધરપકડ કરી છે. મંદિર પરિસરમાં ધડાકાભેર તૂટી પડેલા મકાનમાં આશરે ૧૫૦ કિલો ફટાકડા રખાયા હતા. આ માટે મંદિર સંચાલકો અને જવાબદારોએ કોઈ મંજૂરી પણ લીધી ન હતી. નવાઈની વાત તો એ છે કે, મંદિરનું એ મકાન જોઈને ફાયર વિભાગે ફક્ત ૧૫ કિલો ફટાકડાનો સંગ્રહ કરવાની જ મંજૂરી આપી હતી. એવું કહેવાય છે કે, આ દુર્ઘટનામાં આગના કારણે નહીં પણ મકાન તૂટી પડવાથી વધારે લોકોના મોત થયા હતા.

મંદિરના ટોચના ૧૫ અધિકારીઓ ફરાર

ગેરકાયદે આતશબાજીમાં સર્જાયેલી દુર્ઘટનામાં પુત્તિગલ મંદિર ટ્રસ્ટના ટોચના ૧૫ અધિકારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે મંદિરના ટ્રસ્ટીઓ સામે સદોષ માનવવધનો કેસ નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આતશબાજીનો સ્પર્ધાનું આયોજન કરનાર પિતા-પુત્ર સુરેન્દ્રનમ અને ઉમેશ સામે કેસ નોંધ્યો છે.

આદત મુજબ પોલીસ મોડે મોડે જાગી?

શનિવારે રાત્રે ૧૧.૩૦ કલાકે આતશબાજીનો પ્રારંભ થયો હતો. પરોઢિયે ૩.૩૦ કલાકે પોલીસે આતશબાજી રોકવા મંદિર કમિટીનો સંપર્ક કર્યો હતો. જોકે મંદિર કમિટી આયોજકોને આ હુકમ પહોંચાડે તે પહેલાં જ કાળ ત્રાટક્યો હતો.

નેવી અને એરફોર્સે બચાવ માટે ૬ હેલિકોપ્ટર, ૧ વિમાન તૈનાત કર્યા

આ ઘટના બન્યાના ગણતરીના સમયમાં જ રાહતકાર્ય માટે સેના, હવાઈ અને નૌકાદલે તાત્કાલિક પગલાં લીધાં હતાં. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા નૌકાદળ અને હવાઈદળે ૬ હેલિકોપ્ટર અને એક ડોનિયર એરક્રાફ્ટ તૈયાર કર્યાં હતાં. હવાઈદળનાં ચાર એમઆઈ૧૭ અને એએલએચ હેલિકોપ્ટરોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા સઘન કામગીરી કરી હતી. ભારતીય નૌકાદળના પણ સધર્ન નવલ કમાન્ડ ખાતે મેડિકલ ટીમો સાથે એક ડોનિયર એરક્રાફ્ટ અને બે એએલએચ હેલિકોપ્ટર કામે લગાડ્યાં હતાં. નૌકાદળે તેનાં ત્રણ જહાજો આઈએનએસ કાબરા, આઇએનએસ કલ્પેની અને આઈએનએસ સુકન્યાને કોચીના દરિયાકિનારે લાંગરી ઘાયલોને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

મોદીએ કહ્યું હૈયું હચમચાવી દેનારી ઘટના

આ દુર્ઘટનાની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ રવાના થયા હતા. મોદીએ ઘટના વિશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, એક મંદિરમાં આગની દુર્ઘટના દુખદાયક અને હૈયુ હચમચાવી દેનારી છે. મને મૃતકોના પરિવારો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે. મોદી તેમની સાથે બર્નસ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની સ્પેશિયલ ટીમ પણ લઈ ગયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યનાં ચૂંટણીસભા સંબોધના હતા, પરંતુ દુર્ઘટનાને પગલે શાહની ચૂંટણી રેલી રદ કરી દેવાઈ હતી.

કેરળનાં ૩૬ હજાર મંદિરમાં વર્ષે રૂ. ૨,૦૦૦ કરોડના ફટાકડા ફૂટે છે

કેરળમાં નાના-મોટાં ૩૬ હજાર મંદિર છે. જેમાં વાર્ષિક સમારંભ થાય છે. આ સમારંભો માટે રૂ. ૨૫ હજાર કરોડ સુધીનો ખર્ચ થાય છે. રૂ. ૨૦૦૦ કરોડ તો માત્ર ફટાકડા ફોડવામાં લૂંટાવાય છે.

મુદ્દે સંશોધન કરી રહેલા પાલા એમ. જયસૂર્યા કહે છે કે અહીં ફટાકડા ફોડવા એ શક્તિપ્રદર્શનનું માધ્યમ છે. જોકે, કેટલાક લોકો તેનો વિરોધ પણ કરે છે. પુત્તિંગલ દેવી મંદિરનો રાજ્યના ભવ્ય અને પ્રખ્યાત મંદિરમાં સમાવેશ થાય છે જ્યાં ભવ્ય સમારંભ યોજાય છે. ‘કંબમ’ નામના સમારંભમાં બે પક્ષો વચ્ચે ફટાકડા ફોડવાની સ્પર્ધા થાય છે. પહેલા રંગબેરંગી પછી ધમાકાવાળા ફટાકડા અહીં ફોડાય છે. ૯મી એપ્રિલે યોજાઈ ગયેલા કાર્યક્રમના બ્રોશરમાં પણ વરકલા કૃષ્ણકુટ્ટી અને કજાકુટમ સુરેન્દ્રન જૂથો વચ્ચે સ્પર્ધા અને તે પછી ઇના વિતરણનો ઉલ્લેખ હતો.

ઘટનાક્રમ

  • ૧૦૦ વર્ષ જૂનું ભદ્રકાળીનું મંદિર
  • ૧૫,૦૦૦થી વધુની જનમેદની
  • ૧૧:૩૦ ૯મીએ રાત્રે આતશબાજી શરૂ થઈ
  • ૩:૩૦ કલાકે ૧૦મીએ પરોઢિયે વિસ્ફોટ સાથે આગ
  • ૦૨ કિમીના વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ
  • ૧૧૧ શ્રદ્ધાળુઓનાં મોત
  • ૩૮૩ શ્રદ્ધાળુઓ ઘાયલ
  • ૦૪ નેવી, એરફોર્સનાં હેલિકોપ્ટર તૈનાત
  • ૦૧ નેવીનું ડોનિયર એરક્રાફ્ટ તૈનાત કરાયું
  • ૦૩ નેવીનાં જહાજો સહાય માટે મોકલાયાં
  • ૧૨ લાખ રૂપિયા મૃતકોના પરિવારને સહાય

આરોપીઓ સામે કલમો

  • ૩૦૭ હત્યાનો પ્રયાસ (આઈપીસી)
  • ૩૦૮ સદોષ માનવવધનો પ્રયાસ (આઈપીસી)
  • ૦૪ એક્સ્પ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ

અત્યાર સુધીનું સૌથી ઝડપી બચાવકાર્ય

• વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સાથે એમ્સના બર્ન યુનિટના છ ડોક્ટરોની ટીમને લઈને ગણતરીનાં કલાકોમાં કોલ્લમ પહોંચ્યા હતા અને હાલ પૂરતું પ્રોટોકોલનું પાલન નહીં કરવાનો આદેશ જારી કરાયો હતો.

• નૌકાદળે ત્રણ જહાજ અને ડોક્ટરોની ટીમ મોકલી હતી. એરફોર્સ ૧૦ હેલિકોપ્ટર મોકલ્યાં કે જેથી ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. એનડીઆરએફની ચાર ટીમ ચેન્નાઈથી મોકલાઈ હતી.

• કેરળમાં ચૂંટણી છે, પરંતુ ભાજપ સહિત તમામ પક્ષોએ પોતાની ચૂંટણીની રેલીઓ રદ રાખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter