કેરળમાં ઇતિહાસ રચાયો: બીજી વાર સત્તા નહીં મેળવવાનો ૪૦ વર્ષનો રેકોર્ડ તૂટયો

Wednesday 05th May 2021 01:06 EDT
 
 

નવી દિલ્હીઃ કેરળમાં છેલ્લા ચાર દસકામાં કોઇ પાર્ટી સતત બીજી વાર સત્તા પર આરૂઢ થઇ શકી નથી પરંતુ વર્ષ ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં આ રેકોર્ડ તૂટી ગયો છે. મુખ્ય પ્રધાન પી. વિજયનના નેતૃત્વમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સતત બીજા પાંચ વર્ષ માટે કેરળમાં સત્તા સંભાળવા જઇ રહ્યો છે.
કેરળમાં સીપીએમના નેતૃત્વ હેઠળનો એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો યુડીએફ વારાફરથી સત્તા પર આરૂઢ થતાં રહ્યાં છે. આ ચૂંટણી બંને ગઠબંધન માટે અત્યંત મહત્ત્વની હતી કારણ કે મુખ્ય પ્રધાન વિજયન્ ફરી સત્તા પર બેસવાની મહત્વાકાંક્ષા સેવતા હતા જ્યારે કોંગ્રેસે રાજ્યમાં સત્તાવાપસી માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. અત્યારે દેશમાં ફક્ત કેરળમાં જ ડાબેરીઓની સત્તા છે તેથી ડાબેરીઓ માટે આ અસ્તિત્વનો જંગ હતો જ્યારે કોંગ્રેસે તેના ચૂંટણી જીતવા માટે તેના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને પ્રચારની કમાન સોંપી હતી. તેથી ચૂંટણીના પરિણામ બંને મોરચા માટે અત્યંત મહત્ત્વના હતા.
જો યુડીએફનો વિજય થયો હોત તો કોંગ્રેસની ઝોળીમાં દેશનું છઠ્ઠું રાજ્ય આવ્યું હોત પરંતુ રાહુલ ગાંધીનો કોઇ કરિશ્મા કેરળમાં ચાલી શક્યો નથી. તામિલનાડુની જેમ વર્ષ ૨૦૧૬ પહેલાં કેરળમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઇ જતી હતી.

ભાજપનો ધૂંઆધાર પ્રચાર કામ ન લાગ્યો
કેરળમાં પગપેસારો કરવા ભાજપ, વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ધૂંઆધાર પ્રચાર કામ લાગી શક્યો નથી. ભાજપને રાજ્યમાં સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. કોઇ પણ એક્ઝિટ પોલમાં ભાજપને ૩થી વધુ બેઠક આપવામાં આવી નહોતી, પરંતુ ભાજપને એક પણ બેઠક પ્રાપ્ત થઇ નથી.

મેટ્રોમેનનનો જાદુ પણ ચાલ્યો નહીં
ભાજપે મેટ્રોમેન તરીકે જાણીતા ઇ. શ્રીધરનને મેદાનમાં ઉતારી કેરળના મતદારોને એવો સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટી અનુભવી અને કાબેલ વ્યક્તિઓને ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે. પરંતુ ઇ શ્રીધરનનો પાસો પણ ભાજપને સફળતા અપાવી શક્યો નથી. ઇ શ્રીધરન્ પલક્કડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શફી પેરામ્બિલ સામે ૭૪૦૩ મતથી પરાજિત થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter