કેરળમાં એર-ઇંડિયાનું બોઇંગ રનવે પરથી લપસ્યુંઃ બન્ને પાઇલટ સહિત ૧૮નાં મૃત્યુ

Saturday 08th August 2020 08:27 EDT
 
 

કોઝિકોડઃ કેરળમાં શુક્રવારે ઢળતી સાંજે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં બે પાઇલટ સહિત કુલ ૧૮નાં મૃત્યુ થયા છે, જ્યારે ૧૩૮ને ઇજા થઇ છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે હાથ ધરાયેલા મિશન વંદે ભારત અંતર્ગત દુબઇથી ભારતીય પ્રવાસીઓને લઇને પરત ફરેલી એર-ઇંડિયા એક્સપ્રેસની આ ફ્લાઇટમાં છ ક્રૂ મેમ્બર સહિત કુલ ૧૯૫ પ્રવાસી હતા. જેમાં ૧૦ બાળકોનો પણ સમાવેશ થાય છે.
સાંજના ૭.૪૫ કલાકે અતિ ભારે વરસાદ વચ્ચે કારાપુર એરપોર્ટ પર લેન્ડીંગ કર્યા બાદ ફ્લાઇટ રન-વે પરથી સ્કીડ થઇને આગળ નીકળી ગઇ હતી અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. ભારતના સૌથી દુર્ગમ એરપોર્ટ તરીકે જાણીતા કારાપુર એરપોર્ટ ખીણપ્રદેશથી ઘેરાયેલું છે. આમ રન-વે પરથી લપસેલા બોઇંગ ૭૩૭નો એક ટુકડો ૩૦ ફૂટ ઊંડી ખીણમાં જઇ પડ્યો હતો.
દુર્ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પરની તેમજ શહેરની ૨૪ એમ્બ્યુલન્સ સહિત રાહત અને બચાવ ટીમ, એનડીઆરએફના જવાનો વિમાન પાસે ધસી ગયાં હતાં અને યુદ્ધના ધોરણે બચાવકાર્ય હાથ ધર્યું હતું. સદ્દભાગ્યની વાત એ હતી કે વિમાનના બે ટુકડા થઇ જવા છતાં તેમાં આગ ફાટી નીકળી નહોતી. જોકે ભારે વરસાદે રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલી સર્જી હતી. વિમાનમાં પ્રવાસ કરી રહેલા ૧૯૦ પ્રવાસી પૈકીના ૧૩૮ને ઇજાઓ પહોંચી હતી, જેમાંથી ૧૫ની સ્થિતિ ગંભીર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન સાથે વાત કરી ઘટનાની જાણકારી મેળવી હતી અને તમામ સહાયનું આશ્વાસન આપ્યું હતું. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને ફોન કરીને દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વગેરેએ દુર્ઘટનાનો ભોગ બનેલાઓના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.
ભાજપના સાંસદ કે. જે. આલ્ફોન્સે જણાવ્યું હતું કે, કેરળમાં ૨૪ જ કલાકમાં બીજી કરુણાંતિકા સર્જાઇ છે. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે સવારના સમયે ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડતાં ૧૨થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતા. વિમાનના પાઇલટ અને કો-પાઇલટ બન્નેના મૃત્યુ થયા છે અને સંખ્યાબંધ પ્રવાસીઓને ઇજા પહોંચી છે.

એન્ટિ-સ્કિડ સિસ્ટમને શું થયું?

એવિએશન એક્સપર્ટના મતે દરેક ફ્લાઈટમાં એન્ટિ-સ્કિડ સિસ્ટમ હોય છે. જ્યારે ભારે વરસાદ હોય અને વિઝિબિલિટી ઓછી હોય ત્યારે આ સિસ્ટમ ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે. જો એન્ટિ-સ્કિડ સિસ્ટમ કામ ન કરે તો જ ફ્લાઈટ લપસીને રન-વેથી દૂર જતી રહે કે, ફંટાઈ જાય છે. જો આ સિસ્ટમ બંધ થઇ જાય તો એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા ફ્લાઈટને ઉતરવાની પરવાનગી જ અપાતી નથી. બીજી તરફ ભારે વરસાદ દરમિયાન ફ્લેશલાઈટની મદદથી પણ સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયાનું રેકોર્ડમાં છે. કોઝિકોડમાં આમ કેમ ન કરાયું તે તપાસનો વિષય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter