કેરળમાં ખ્રિસ્તી યુવતીઓ લવ અને નાર્કોટિક્સ જેહાદનો ભોગ બની રહી છેઃ કેથલિક બિશપ

Wednesday 15th September 2021 06:37 EDT
 
 

કોટ્ટાયમ: કેરળમાં કેથલિક બિશપના મતે રાજ્યની ખ્રિસ્તી ધર્મની યુવતીઓ મોટી સંખ્યામાં લહ જેહાદ અને નાર્કોટિક જેહાદની જાળમાં ફસાઈ રહી છે. હથિયારનો ઉપયોગ થતો નથી, ત્યાં કટ્ટરવાદીઓ અન્ય ધર્મની યુવતીઓને બર્બાદ કરવા માટે આવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા હોવાના આ બિશપના આક્ષેપથી હલચલ મચી ગઇ છે.
બિશપે જણાવ્યું હતું કે બીજા ધર્મની મહિલાઓને જેહાદી પ્રેમ અને બીજા માધ્યમોથી ફસાવીને તેમનો ઉપયોગ ત્રાસવાદી ગતિવિધિઓ અથવા બીજા આર્થિક લાભ માટે થઇ રહ્યો છે. તેમનો ઈરાદો પોતાના ધર્મની વસતિમાં વધારો કરવાનો અને બિનમુસ્લિમોનો ખાતમો બોલાવવાનો છે.
સાયરો માલાબાર ચર્ચના બિશપ માર જોસેફ કલ્લારંગટને આક્ષેપ કર્યો છે કે લવ જેહાદનો ઉપયોગ કરીને બિનમુસ્લિમ અને ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને તેમનું ધર્માંતરણ તથા શોષણ કરવામાં આવે છે. આવી યુવતીઓનો આતંકવાદ જેવી પ્રવૃત્તિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. કેથલિક બિશપે કેરળના કોટ્ટાયમ જિલ્લાના કુરુવિલંગડમાં ચર્ચના એક સમારંભને સંબોધતાં આ લાગણી વ્યક્ત કરી હતી.
કેરળમાં સાંપ્રદાયિકતા, ધાર્મિક કટ્ટરવાદ અને અસહિષ્ણુતા ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા જેહાદી તત્વોની હાજરી અંગે ચેતવણી ઉચ્ચારતા બિશપે જણાવ્યું હતું કે આવા તત્વો બીજા ધર્મને વેરવિખેર કરવા જુદી જુદી યુક્તિનો ઉપયોગ કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે લવ જેહાદ અને નાર્કોટિક્સ જેહાદ આવી જ પ્રયુક્તિઓ છે. ભારત જેવા લોકશાહી દેશમાં શસ્ત્રો વડે બીજા ધર્મના લોકો પર પ્રહાર કરવાનું મુશ્કેલ છે, તેથી જેહાદી તત્વો બીજા ધર્મના લોકોને નુકસાન કરવા માટે આવી તરકીબોનો ઉપયોગ કરે છે.
બિશપે કેરળના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક લોકનાથ બેહરાના તાજેતરના નિવેદનને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે કેરળ ત્રાસવાદીઓની ભરતીનું કેન્દ્ર બની ગયું છે. રાજ્યમાં કટ્ટરવાદી જૂથોનું એક માળખું સક્રિય છે.
બિશપે દાવો કર્યો હતો કે રાજ્યમાં ખ્રિસ્તી અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે અને તેમને અફઘાનિસ્તાનના ત્રાસવાદી કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. બિશપે જણાવ્યું હતું કે રાજ્યમાં જે લોકો લવ જેહાદ અને નાર્કોટિક્સ જેહાદનો ઈનકાર કરી રહ્યાં છે ખરેખર તો કડવી વાસ્તવિક્તા સામે આંખ આડા કાન કરી રહ્યા છે. રાજકીય નેતાઓ, પત્રકારો, સામાજિક નેતાઓ તેમના સ્થાપિત હિતોને કારણે
આ હકીકતનો ઈનકાર કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter