કેરળમાં નન પર બળાત્કારના આરોપી બિશપ ફ્રેન્કોનું રાજીનામું

Wednesday 19th September 2018 07:27 EDT
 

કોટ્ટાયમઃ કેરળમાં નન પર રેપના કેસમાં આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલે એક સર્ક્યુલર જારી કરીને વહીવટી જવાબદારીઓ અન્ય પાદરીને સોંપી દીધી છે. તેમણે જલંધર ડાયોસીસના વહીવટી દાયિત્વની સત્તા ફાધર મેથ્યુ કોકંદમને સોંપી દીધી છે. ૧૩ સપ્ટેમ્બરે લખાયેલા આ સર્ક્યુલરમાં ફ્રેન્કો તરફથી જણાવવામાં આવ્યું છે, ‘મારી ગેરહાજરીમાં મેથ્યુ કોકંદમ ડાયોસીસનું દાયિત્વ સંભાળશે.' બિશપ ફ્રેન્કોની કેરળ પોલીસ ધરપકડ કરી શકે છે. કેરળમાં છેલ્લાં કેટલાક સમયથી બિશપની ધરપકડની માગણી થઈ રહી છે અને કેટલીક નન તેમની સામે જાહેરમાં આંદોલન કરી રહી છે. નન સાથે કેટલાક પાદરીઓ પણ જોડાયા છે. સર્ક્યુલરમાં બિશપ ફ્રેન્કો મુલક્કલે તમામનો મુશ્કેલ સમયમાં સાથ આપવા અને પ્રાર્થના કરવા માટે આભાર માન્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું, આપ સૌને અનુરોધ કરું છું કે મારા માટે અને કથિત પીડિત અને તેમના સમર્થકો માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો જેથી દિવ્ય શક્તિઓના હસ્તક્ષેપથી લોકોનું હૃદયપરિવર્તન થાય અને ઘટનાની સચ્ચાઈ સામે આવે. તેમણે આગળ લખ્યું છે, મેં બધું ભગવાન ભરોસે છોડી દીધું છે અને આરોપોની તપાસ કરનારી ટીમના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે બિશપ ફ્રેન્કો મુલક્કલ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન એક નન સાથે બળાત્કાર કરવાના આરોપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter