નવી દિલ્હી: કેરળનાં કોઝિકોડ અને માલાપુરમ જિલ્લામાં નિપાહ વાઇરસને કારણે તાજેતરમાં ૧૬ લોકોનાં મોત થયાં છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ૨૫ લોકોને આ વાઇરસની અસર થઈ છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રાખીને સારવાર અપાઈ રહી છે.
નિપાહ વાઇરસ વૃક્ષો અને કૂવાઓમાં રહેતાં ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને તેની અસર થતાં વ્યક્તિ ૪૮ કલાકમાં કોમામાં સરી પડે છે. નિપાહ વાઇરસનો વ્યાપ ફેલાતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા કહેવાયું છે. કોઝિકોડમાં ચાંગરથ ગામે એક જ પરિવારનાં ૪ લોકોનાં મોત થયાં છે અને તેની સારવાર કરતી એક નર્સનું પણ મોત થયું છે. અન્ય ૪ની હાલત ગંભીર છે, જોકે કેરળના આરોગ્યપ્રધાન કે. કે. શૈલજાએ હજી ૩નાં મોતની પુષ્ટિ કરી છે. પુણેની વાઇરોલોજી ઇન્સ્ટિટયૂટ દ્વારા લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાઇરસ હોવાનું જણાયું છે. નિપાહ વાઇરસ ૨૦ વર્ષ પહેલાં સૌપ્રથમ વખત મલેશિયામાં જોવા મળ્યો હતો.
કેરળ સરકારની વિનંતી પછી એનસીડીસીની ટીમ કેરળ પહોંચી ગઈ છે. કોઝિકોડમાં કન્ટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ વાઇરસને કારણે દર ૪માંથી ૩ દર્દીનાં મોત થાય છે. કેરળના આરોગ્યપ્રધાને કહ્યું હતું કે સ્થિતિ કાબૂમાં છે અને તકેદારીનાં તમામ પગલાં લેવાઈ રહ્યાં છે.