તિરુવનંતપુરમ: કેરળમાં તોફાની પવન સાથેના મુશળધાર વરસાદે રાજ્યમાં તબાહી વેરી છે. નદીઓ ગાંડીતૂર બની છે. અનેક જિલ્લા જળબંબાકાર છે. થોડા દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે મંગળવાર સુધીમાં ૩૫થી વધુ મોત નોંધાયા છે. ૧૧થી વધુ જિલ્લામાં હજુ વધુ વરસાદની આગાહી છે. ઈડુક્કી જળાશય છલોછલ ભરાઈ જતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. પાણીના નિકાલ માટે તેના દરવાજા ખોલવા નિર્ણય લેવાતા નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્ર કામે લાગ્યું હતું. મણિમલયારમાં કેટલાક મકાન પાણીમાં તણાઈ ગયા છે.
કેરળમાં ૧૦ ડેમમાં પાણી ભયજનક સપાટી સુધી પહોંચી જતાં રેડ એલર્ટ જાહેર કરાયેલ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં પગલાં લેવાયા છે. પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આર્મીની ૩ ટુકડીઓ કુન્નુરથી વાયનાડ પહોંચી છે અને રાહત કામગીરી શરૂ કરી છે. નેવીનાં હેલિકોપ્ટર દ્વારા રાહતસામગ્રી પહોંચાડાઈ રહી છે. ભારે વરસાદના પગલે શબરીમાલા યાત્રા સ્થગિત કરાઈ છે.


