કેરળમાં મજૂર રાતોરાત માલેતુજારઃ રૂ. ૧૨ કરોડની લોટરી લાગી

Thursday 13th February 2020 06:54 EST
 
 

તિરુવનંતપુરમઃ એક આદિવાસી મજૂર રાજન (ઉં. ૫૩) તેની ત્રણ લોનના વ્યાજની ચૂકવણી માટે ચોથી લોન લેવા માટે બેંકમાં ગયો હતો, પરંતુ બેંકે તેને લોન આપવાની ના પાડી. નિરાશ રાજને કંટાળીને લોટરીની ટિકિટ ખરીદી હતી. આ પહેલાં પણ તેણે લોટરીની ટિકિટો ખરીદી હતી અને તેની આ ટેવથી તેની પત્ની કંટાળી પણ ગઈ હતી, જોકે છેલ્લે રાજને લોટરીની ટિકિટ ખરીદી એનાથી તેને કેરળ રાજ્યની રૂ. ૧૨ કરોડની લોટરી લાગી હતી.

રાજને જણાવ્યું કે, લોટરીની ટિકિટ ખરીદવાની મારી ટેવથી મારી પત્ની રજની કંટાળી ગઈ હતી અને રોજ મારી સાથે ઝઘડતી હતી. જોકે નવા વર્ષે જેકપોટ લાગતાં તેના સહિત પરિવાર ખુશ થઈ ગયો હતો. નાતાલ-નવા વર્ષની લોટરીનો ડ્રો ૧૦મી ફેબ્રુઆરીએ યોજાયો હતો.

રાજ્ય લોટરી વિભાગે શોધી કાઢ્યું હતું કે, વિજેતા ટિકિટ કન્નુર જિલ્લાના કુથુપુરમ્ભા ખાતે વેચાઈ હતી. લોટરીના ડ્રો પછી પણ ઇનામનો કોઈએ દાવો ન કરતાં સસ્પેન્સ સર્જાયું હતું. ૧૧મી ફેબ્રુઆરીએ બપોરે રાજને લોટરી લાગી કે નહીં તે જોવા ટિકિટનો નંબર સરખાવ્યો ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ હતી. નજીકની લોટરીની દુકાને જઈને તેણે તપાસ કરી તો ખબર પડી કે તેને જ લોટરી લાગી હતી. ટિકિટ નંબર ૨૬૯૬૦૯ને જેકપોટ લાગ્યો હતો.

ટિકિટ વિક્રેતા દુકાનદારે કહ્યું હતું કે, આ નંબરની ટિકિટને રૂ. ૧૨ કરોડનો જેકપોટ લાગ્યો છે. આ સાંભળતાં તે ઉછળી પડ્યો હતો. ઘરે જઈને તેણે પત્નીને સમાચાર આપતાં રજની પણ ખુશ થઈ ગઈ હતી.

રાજને કહ્યું કે, હું જ્યારે ઘરે ગયો અને મારી પત્નીને વાત કરી તો એ માનવા જ તૈયાર નહોતી. એણે માન્યું કે હું મજાક કરું છું, પણ લોકો મને અભિનંદન આપવા આવ્યા ત્યારે એણે વાત સાચી માની. રાજને કહ્યું કે, લોટરી લાગતાં તે પહેલાં બેંક લોન ભરશે પછી તે જીવન જરૂરિયાતની ચીજો માટે પૈસા ખર્ચ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter