કેરળમાં વરસાદનું જોર ઘટ્યું, રોગચાળાનો ખતરો વધ્યોઃ સહાયનો ધોધ વહ્યો

Thursday 23rd August 2018 01:50 EDT
 

તિરુવનંતપુરમઃ કેરળમાં સતત ૧૨ દિવસ ખાબકેલા ૯૨ ઇંચ વરસાદે વિનાશ વેર્યો છે, જોકે હવામાન ખાતાની આગાહી મુજબ ૨૧મીથી આગામી પાંચ દિવસ વરસાદ નહીં પડવાનો હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના ૧૪માંથી ૧૧ જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. ઈડુક્કીમાં ઓગસ્ટમાં વરસાદે છેલ્લા ૧૧૧ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં અત્યાર સુધીમાં ૧૪૧૯ મિમી વરસાદ થઈ ચૂક્યો છે. આ પહેલાં ૧૯૦૭માં અહીં ઓગસ્ટમાં ૩૧ દિવસોમાં કુલ ૧૩૮૭ મિમીનો વરસાદ નોંધાયો હતો. આ વખતે તે સૌથી વધુ પૂર પ્રભાવિત વિસ્તાર છે.
અનેક જિલ્લામાં પૂરનાં પાણી ઓસરતાં રસ્તા અને ખેતરોમાં માનવી અને પશુઓના મૃતદેહો તરતા જોવા મળ્યા છે. ૮ ઓગસ્ટથી વરસી રહેલા તોફાની વરસાદમાં ૨૧૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે વધુ ૧૩ લોકોનાં મોત થતાં મૃત્યુઆંક ૨૧૬ થયો છે. સોમવારે લોકોને વરસાદમાંથી રાહત મળી હતી અને જાનહાનિના કોઈ સમાચાર ન હતા, જોકે હવે લોકોને પીવાનું પાણી, ભોજનસામગ્રી, દવાઓ અને કચરાના નિકાલની સમસ્યા સતાવી રહી છે. રાજ્ય સરકારે હવે રાહત અને બચાવકામગીરી પર તેમજ લોકોને ભોજન પૂરું પાડવા ફોકસ કર્યું છે.
મે મહિનાથી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. આર્મી તેમજ એનડીઆરએફની ટુકડી દ્વારા પૂરમાં ફસાયેલાં એક લાખથી વધુ લોકોને બચાવાયાં છે. ૩,૫૦૦ લોકોને તબીબી સહાય અપાઈ છે. રાજ્યને રસ્તા, પુલો, મકાનો અને ઊભો પાક નાશ થવાથી રૂ. ૨૦,૦૦૦ કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. ૪૦,૦૦૦ એકર જમીનમાં પાકનો નાશ થયો છે.
પી. વિજયને સોમવારે મીડિયાને જણાવ્યું કે, રાજ્યમાં ૫૬૪૫ રાહત શિબિરોમાં ૧૦૨૮૦૭૩ લોકોને રખાયાં છે. તેમાં ૪૫૧૯૨૯ મહિલાઓ, ૩૯૯૬૫૯ પુરુષ અને ૧૨ વર્ષથી ઓછી ઉંમરના ૧૭૬૪૯૫ બાળકો છે. સોમવારે રાજ્યના નીચલા વિસ્તારમાંથી વધુ ૬૦૨ લોકોને બચાવવામાં આવ્યા છે. ૧૯ ઓગસ્ટે ૨૨૦૦૦, ૧૭ ઓગસ્ટે ૫૮૦૦૦ અને ૧૭ ઓગસ્ટે ૮૨૦૦૦ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. કેરળમાં વરસાદ શાંત છે પણ ગંદકીને કારણે રોગચાળો ફાટે તેવી સંભાવના છે.
વડા પ્રધાન દ્વારા સહાય
કેરળની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન મોદીએ ૧૯મીએ કેરળનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. મોદીએ કેરળને તાત્કાલિક રૂ. ૫૦૦ કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. જોકે, રાજ્ય સરકારે વ્યાપક નુકસાનને જોતાં કેન્દ્ર પાસેથી રૂ. ૨,૦૦૦ કરોડની સહાયની માગ કરી હતી. મોદીએ કેન્દ્ર સરકાર તરફથી પૂરમાં માર્યા ગયેલા લોકોના આશ્રિતોને રૂ. બે લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦નું વળતર આપવાની ઘોષણા કરી હતી.
આનાથી વધુ કોઈ ખુશી નહીંઃ માછીમારો
કોચીમાં માછીમારોની ટીમે ઘણાં લોકોના જીવ બચાવ્યાં છે. મુખ્ય પ્રધાન વિજયને આ ટીમના વખાણ કરીને દરેક સભ્યને રૂ. ૩૦૦૦ આપવાની વાત કહી છે, પરંતુ દળના સભ્ય ખૈસ મોહમ્મહે કહ્યું કે હું અને મારા મિત્રો અમારી સરાહનાતી જ ખુશ છીએ. અમારે કોઈ પ્રકારનું મહેનાણું નથી જોઈતું. લોકોના જીવ બચાવવાથી વધુ ખુશી બીજા કશામાં નથી.
 ફ્લાઇટ શરૂ
કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયનના જણાવ્યા મુજબ ૯૦ ટકા બચાવકામગીરી પૂરી થઈ છે. કોચીના નેવલ એરબેઝ પરથી પેસેન્જર ફ્લાઇટ શરૂ કરાઈ છે. રાજ્યમાં સૌથી વધુ અસર અલાપુઝઝા, એર્નાકુલમ અને ત્રિશુરમાં છે.
દેશ-વિદેશમાંથી નાણાસહાય
કેરળમાં ફિલ્મ કલાકારો શાહરુખ ખાને રૂ. ૨૧ અને પ્રભાસે રૂ. ૨૫ લાખની પૂરગ્રસ્તોને મદદ કરવા ઉપરાંત દેશવિદેશનાં અનેક રાજ્યોએ પણ કરોડો રૂપિયાની સહાય કરી છે. યુએઈના ત્રણ વેપારીઓએ ૫-૫ કરોડની સહાય કરી છે. યુએઈ સરકારે ૩૪ કરોડની મદદની જાહેરાત કરી છે. પોપ ફ્રાન્સિસે પણ વિશ્વ સમુદાયને કેરળની મદદ કરવા અપીલ કરી છે.
સરકારી ઓફિસરોએ પણ કરી મદદ
કેરળની આપત્તિ માટે આંધ્ર પ્રદેશના સરકારી કર્મચારીઓએ પણ કુલ રૂ. ૨૦ કરોડની મદદ કરી છે. જ્યારે રાજસ્થાન, તમિલનાડુ અને કેરળના આઈપીએસ-પીસીએસ ઓફિસરોએ એક એક દિવસનો પગાર પૂર પીડિતોને આપ્યો છે. આ સિવાય ફેસબુકે પણ મદદ માટે રૂ. ૧.૭૫ કરોડ મોકલ્યા છે.
આ તો લોકોનાં જ હતાને?
ત્રિશુરની બી.એસ.સી. કેમેસ્ટ્રીની ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હનાન હમીદ ગરીબ છે અને પૈસા માટે સંઘર્ષ કરે છે. માછલીઓ વેચીને પૈસા ભેગા કરતી આ છોકરીના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. એના સંઘર્ષને 'નકલી અને પબ્લિસિટી સ્ટંટ' પણ ગણાવાયો હતો. એને અપમાનિત કરાઈ હતી. કેરળમાં અત્યારે વિપત્તિમાં આ છોકરીએ એની પાસે ભેગા થયેલા રૂ. ૧.૫ લાખનું કેરળ રિલીફ ફંડમાં દાન કર્યું છે. તેણે કહ્યું કે, આ તો લોકોના જ પૈસા હતા ને?
પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાનખાતાએ સોમવારે દેશનાં પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, આંધ્ર પ્રદેશ, ઉત્તર કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.
કેરળ પર કહેર પ્રધાનની લહેર
કેરળ પૂરની તબાહી સામે ઝઝૂમી રહ્યું હતું ત્યારે સીપીઆઈના નેતા અને રાજ્ય સરકારમાં પ્રધાન કે. રાજુ જર્મનીમાં ઓણમ મનાવી રહ્યા હતા. આ મુદ્દો સામે આવતાંની સાથે જ મોટો વિવાદ શરૂ થયો હતો. પક્ષે આ અંગે ખુલાસા આપીને પ્રધાન પરત બોલાવી લીધા હોવાનું પણ જણાવ્યું હતું.
કર્ણાટકમાં આઠનાં મોત
કેરળમાં મુશળધાર વરસાદે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડીને ભારે વિનાશ વેર્યો છે ત્યારે તેના પડોશી રાજ્ય કર્ણાટકને હવે મેઘરાજા ધમરોળી રહ્યા છે. કર્ણાટકના કોડાગુ જિલ્લામાં ભારે વરસાદને કારણે બેહાલી ફેલાઈ છે. નદી-નાળાં છલકાઈ જતાં અને મકાનો પડી જતાં ૮ લોકોનાં મોત થયાં છે જ્યારે ૪,૦૦૦થી વધુ લોકો બેઘર થયાં છે, તેમને રાહત છાવણીઓમાં આશરો અપાયો છે. કોડાગુ જિલ્લામાં વરસાદનું જોર ઘટયું છે, આમ છતાં કેટલાક જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે અને કોઈપણ સ્થિતિનો સામનો કરવા સત્તાવાળાઓને એલર્ટ કરાયા છે. એકલા કોડાગુ જિલ્લામાં જ ૪,૨૨૫ લોકોને બચાવીને રાહત શિબિરોમાં લાવવામાં આવ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter