નવી દિલ્હીઃ ટીવી કે અખબારમાં આપણે ભલે એકિઝટ પોલના આંકડા પર સટાસટ નજર ફેરવી લેતા હોઇએ, પણ તેને તૈયાર કરવાનું કામ આપણે જેટલું માનીએ છીએ તેટલું સહેલું નથી. એકિઝટ પોલ અથવા તો સર્વેમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા ખૂબ જ મગજમારી વાળી હોય છે. સેમ્પલિંગને સમજવા માટે પહેલા આપણે એકિઝટ પોલ, પોસ્ટ પોલ સર્વે અને ઓપિનિયન પોલને જાણી લઈએ.
• શું હોય છે એકિઝટ પોલ? એકિઝટ પોલના પરિણામ હંમેશાં મતદાનના અંતિમ દિવસે જાહેર થાય છે. જોકે ડેટા કલેક્શન જે દિવસે વોટિંગ થાય છે તે દિવસે કરાતું હોય છે. મતદાનના દિવસે જ્યારે મતદાતા મત આપીને બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તેણે કોને મત આપ્યો? તેના આધારે જ સર્વેક્ષણ હાથ ધરીને વ્યાપક નિષ્કર્ષ કાઢવામાં આવે છે અને આને જ એકિઝટ પોલ કહેવાય છે. સામાન્ય રીતે ટીવી ચેનલ મતદાનનો અંતિમ તબક્કો પૂરો થયા બાદ એકિઝટ પોલ દેખાડે છે.
• શું હોય છે પોસ્ટ પોલ? પોસ્ટ પોલ એકિઝટ પોલના પરિણામ કરતા વધારે સચોટ હોય છે. એકિઝટ પોલ સર્વેમાં જે તે એજન્સી મતદાન બાદ મતદારોને સવાલ પૂછીને પોતાનો તર્ક લગાવી લેતી હોય છે. જ્યારે પોસ્ટ પોલ હંમેશાં મતદાનના આગલા દિવસે અથવા એક-બે દિવસ બાદ થતા હોય છે.
દાખલા તરીકે છઠા ચરણનું મતદાન ૧૨ મેના રોજ થયું છે તો એજન્સીઓ મતદારોને ૧૧ મેના રોજ અથવા ૧૩થી ૧૫ મેની વચ્ચે સવાલો પૂછીને પોતાનો તર્ક નક્કી કરે છે. આ પ્રક્રિયાને પોસ્ટ પોલ કહેવાય છે.
આ પોલ સચોટ કેમ હોય છે? તેનો જવાબ મેળવીએ. એકિઝટ પોલમાં મતદારોએ મત આપ્યો ત્યારબાદ તેમને સવાલ કરી તેમનો જવાબ જાણવામાં આવે છે. સર્વે કરનારાઓ પોલિંગ બૂથની બહાર જ સર્વે હાથ ધરે છે. આથી મતદાર પોતાની ઓળખ છુપાવીને કે ગભરાઈને પોતાનું મંતવ્ય જણાવી દેતો હોય છે. આ વાત સાચી છે કે નહીં એ તો મતદાર જ જાણતો હોય છે. જ્યારે પોસ્ટ પોલમાં મતદારોને સમય અપાય છે. તેમને એક-બે દિવસ બાદ પ્રશ્ન પૂછવામાં આવે છે અને આમ તેને શાંતિથી જવાબ આપવાની તક મળતી હોય છે. કોને મત આપ્યો? આ પ્રશ્ન પૂછાય છે ત્યારે મતદાર કોઈ પણ જાતની ગેરસમજમાં હોતો નથી અને પોતાનો સાચો જવાબ જ જણાવતો હોય છે.
• શું હોય છે ઓપિનિયન પોલ? ઓપિનિયન પોલ એક્ઝિટ પોલથી અલગ હોય છે. ઓપિનિયન પોલનો સૌથી વધારે ઉપયોગ પત્રકારો, અભ્યાસુઓ કે ચૂંટણી સર્વે હાથ ધરનારી એજન્સીઓ કરે છે. આ પોલ મારફત પત્રકારો વિવિધ મુદ્દા, સમસ્યા અને ચૂંટણીમાં જનતાના મંતવ્યોને ભાર આપતા હોય છે. શ્રેય જ્યોર્જ અને કલોડ રોબિન્સને સૌથી પહેલાં ઓપિનિયન પોલનો ઉપયોગ કર્યો હતો.
પોલ માટે સેમ્પલિંગ કેવી રીતે થાય છે?
ઓપિનિયન પોલ તૈયાર કરવા માટે સૌથી જરૂરી હોય છે ફિલ્ડ વર્ક. તેના સેમ્પલિંગ માટે ચૂંટણી સર્વે હાથ ધરનારી એજન્સીના કર્મચારીઓ સામાન્ય જનતાની મુલાકાત લઈ તેમને કેટલાક ઉમેદવાર સંબંધિત સવાલો પૂછે છે. તેના જવાબોને આધારે એક મંતવ્ય જાણી લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં જે લોકોને સામેલ કરાય છે તેમને એક ફોર્મ પણ અપાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ લાંબી હોય છે.
મતદારોની ઓળખ ગુપ્ત રહે અને તે મંતવ્ય બિનધાસ્ત આપી શકે તે માટે એક સીલબંધ ડબ્બામાં તેનું ફોર્મ મેળવાય છે. મતદાર પોતાના પસંદગીના ઉમેદવાર નામ અને મંતવ્ય લખીને ફોર્મ ડબ્બામાં નાખી દે છે. ઓપિનિયન પોલમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે સેમ્પલિંગ. સેમ્પલિંગનો મતલબ છે કે કોનો (મતદાર) વિચાર જાણવાની કોશિશ કરવામાં આવી હતી અને કરવામાં આવશે?
કેવી રીતે પ્રક્રિયા હાથ ધરાય છે?
ઓપિનિયન પોલમાં માત્ર કેટલાક લોકોના વિચાર જાણીને પણ પરિણામ પર પહોંચી શકાય છે. વિવિધ રાજ્યો, વિધાનસભાઓ અને પ્રદેશ વિશેષની સેમ્પલિંગ માટેની મેથડોલોજી અલગ અલગ હોય છે. દાખલા તરીકે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સેમ્પલિંગનો આધાર અલગ-અલગ હશે. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે પણ વ્યક્તિનો વિચાર જાણવામાં આવશે એ વ્યક્તિની પૃષ્ઠભૂમિ, જાતિ, ધર્મનું ધ્યાન રાખવું પડશે. જો સામાજિક પૃષ્ઠભૂમિ, જ્ઞાતિ-જાતિ અને ધર્મને ધ્યાનમાં રાખીને સર્વે હાથ ધરવામાં આવે તો માત્ર ૫૦૦ સેમ્પલ સાઇઝથી પણ સચોટ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. મધ્ય પ્રદેશમાં જાતિગત મતદારોનું સેમ્પલિંગ આના કરતા વિપરિત હશે. જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં મુસ્લિમ અને દલિત બહુમતી ધરાવતા ક્ષેત્રોમાં તેમની સંખ્યાની ટકાવારીના હિસાબે રેન્ડમ સેમ્પલ લેવામાં આવશે. અલબત્ત, આમાં પણ કેટલાક ચોક્કસ માપદંડને ધ્યાનમાં લેવાશે.
૨૩ ચૂંટણીના એક્ઝિટ પોલ ૫૮ ટકા જ સાચા પડ્યા
૨૦૧૪ની લોકસભા ચૂંટણી અને છેલ્લી ૨૨ વિધાનસભા ચૂંટણીના સર્વેક્ષણ પર નજર ફેરવશો તો જણાશે કે ૫૮ ટકા એક્ઝિટ પોલ જ સાચા સાબિત થયા છે. સૌથી મોટો તફાવત બિહાર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની ચૂંટણીઓમાં જોવા મળ્યો. ૨૦૧૫માં બિહારમાં ભાજપની ૧૧૧ બેઠકો દર્શાવાઈ હતી તેની સામે ૫૮ જ મળી હતી. ૨૦૦૪ની ચૂંટણીમાં એનડીએ સત્તા પર આવતો નજરે પડતો હતો, પરંતુ સરકાર યુપીએની રચાઇ હતી. એક્ઝિટ પોલમાં એનડીએને ૨૫૫ બેઠક અપાઈ હતી જ્યારે વાસ્તવમાં તેને મળી હતી ૧૮૭ બેઠક. યુપીએને ૨૧૯ બેઠક મળી હતી જ્યારે તેને દર્શાવાઈ હતી ૧૮૩ બેઠક. વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪માં યુપીએને ૨૦૮ બેઠક મળતી દર્શાવાઈ જ્યારે તેને મળી હતી ૨૬૨ બેઠક. તેવી જ રીતે ૨૦૧૪માં એનડીએને ૨૭૮ બેઠક મળતી દર્શાવાઇ પણ તેને મળી હતી ૩૩૬ બેઠક.


