નવી દિલ્હીઃ ભાજપ છોડીને કોંગ્રેસનો પંજો પકડનારા નવજોત સિંહ સિદ્ધુએ સોમવારે પહેલી વખત પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે ચર્ચા કરતા જણાવ્યું કે, હું મારા મૂળ સાથે ફરીથી જોડાયો છું. આ મારી ઘરવાપસી થઈ છે. મારું અસ્તિત્વ કોંગ્રેસ જ છે. મારા પિતા પણ ગદર પાર્ટીમાં હતા. તેમણે ભાજપ ઉપરાંત અકાલીદળ અને પંજાબના સીએમ પ્રકાશસિંહ બાદલને ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું કે, હવે બાદલોનો તખ્ત પટલાઈ જશે. હું તેમની પોલ ખોલીશ. અકાલીદળ ક્યારેક પવિત્ર જમાત ગણાતી હતી હવે માત્ર વારસા જેવો પક્ષ થઈ ગયો છે. ભાજપને અકાલીઓમાં રસ હતો અને મને પંજાબમાં. તેથી હું મારા મૂળ તરફ પાછો આવ્યો. હું મારી કૈકેયીને છોડીને કૌશલ્યા પાસે આવ્યો છું. બીજી તરફ પ્રકાશસિંહ બાદલે જણાવ્યું કે, સિદ્ધુ એ જાહેર કરે કે તેમની ખરેખર કેટલી માતા છે.