નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષ પ્રમુખની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં મલ્લિકાર્જુન ખડગે, શશિ થરુર અને ઝારખંડનાં કોંગ્રેસ નેતા કે. એન. ત્રિપાઠીનો સમાવેશ થાય છે. 17મી ઓક્ટોબરે પક્ષપ્રમુખની ચૂંટણી યોજાશે અને 19મીએ પરિણામ જાહેર થશે. હવે એક વાત નક્કી છે કે કોંગ્રેસ ગાંધી-નહેરુ પરિવાર સિવાયનાં પક્ષપ્રમુખ મળશે. ખડગેએ ફોર્મ ભરતા દિગ્વિજયસિંહે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું છે. રાજસ્થાનમાં રાજકીય ડ્રામા પછી અશોક ગેહલોત આખરે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા છે. ખડગેએ ફોરમ ભર્યું તેમાં 30 નેતાઓ નોમિનેટર બન્યા છે. ખડગે ગાંધી પરિવારના નિકટના અને વિશ્વાસું ગણાય છે.
ખોટો નકશો દર્શાવી થરુર ટ્રોલ થયા
પક્ષપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરનાર શશિ થરુરે ભારતનો ખોટો નકશો દર્શાવતા લોકોએ તેમને સપાટામાં લઈને ટ્રોલ કર્યા હતા. થરુરે જે નક્શો મૂક્યો હતો તેમાં જમ્મુ-કાશ્મીરનો હિસ્સો દર્શાવાયો જ નહોતો. થરુરે કહ્યું હતું કે ગાંધી પરિવાર કોંગ્રેસના DNAમાં છે તેઓ તેમને કોંગ્રેસથી અલગ કરી શકાય તેમ નથી. ખોટા નકશા મુદ્દે તેમણે માફી માગી હતી.
તો સરકાર પડી જશેઃ ગેહલોત
રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત રાજકીય ડ્રામા પછી ગયા ગુરુવારે નારાજ સોનિયા ગાંધીને મળ્યા હતા. તેમણે એવી રજૂઆત કરી હતી કે જો તેમના બદલે સચિન પાયલોટને મુખ્ય પ્રધાન બનાવાશે તો રાજ્યમાં કોંગ્રેસ સરકારનું પતન થશે. ધારાસભ્યોમાં ઘણ ગુસ્સો છે અને તેઓ પાયલટને સ્વીકારવાનાં મૂડમાં નથી ગેહલોતે તેમને 102થી વધુ એમએલએનો ટેકો હોવાનો દાવો કર્યો હતો.


