કોંગ્રેસ શાસનમાં રૂ. 4.82 લાખ કરોડનો ભ્રષ્ટાચાર આચરાયોઃ ભાજપનો આરોપ

Wednesday 05th April 2023 15:18 EDT
 
 

નવી દિલ્હીઃ શાસક ભાજપે કોંગ્રેસ પર નવેસરથી હુમલો શરૂ કર્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભાજપે કોંગ્રેસના શાસનમાં મોટાપાયે ભષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે રવિવારે કોંગ્રેસ ફાઇલ્સ નામે આરોપોનો પહેલો એપિસોડ જાહેર કર્યો હતો.
ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ ફાઇલ્સના પહેલા એપિસોડમાં જુઓ કે કઈ રીતે કોંગ્રેસના રાજ્યમાં એક બાદ એક ભ્રષ્ટાચાર અને ગોટાળા થયા હતા. કોંગ્રેસ એટલે કરપ્શન ટાઇટલ ધરાવતા વીડિયોમાં ભાજપે મુખ્ય વિપક્ષી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ પોતાના 70 વર્ષના શાસનકાળ દરમિયાન જનતાના રૂ. 4.82 લાખ કરોડ લૂંટી લીધા છે. આટલી જંગી રકમનો ઉપયોગ જનતા માટે વિકાસનાં કાર્યો અને સુરક્ષા માટે કરવામાં આવી શકતો હતો.
ભાજપે પોતાના આ વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, આટલી મોટી રકમમાંથી 24 INS વિક્રાંત યુદ્ધ જહાજ, 300 રાફેલ યુદ્ધ વિમાનો અને 1000 મંગળ મિશન બનાવી અથવા ખરીદી શકાયાં હોત, પરંતુ દેશને કોંગ્રેસના ભ્રષ્ટાચારની કિંમત ચૂકવવી પડી હતી અને તે પ્રગતિની સ્પર્ધામાં પાછળ રહી ગયો હતો.
મનમોહનસિંહની આંખો બંધ હતી
ભાજપે વીડિયોમાં કહ્યું હતું કે, સમગ્ર 70 વર્ષને એક તરફ રાખીને જો આપણે માત્ર મનમોહનસિંહના 2004-2014 છેલ્લા કાર્યકાળને જોઈએ તો તે એક લાપતા દાયકો હતો. તેમણે પોતાના શાસનમાં થનારા તમામ ભ્રષ્ટાચાર સામે આંખ બંધ કરી લીધી હતી. તે દિવસોમાં અખબાર ભ્રષ્ટાચારના સમાચારોથી ભરાયેલા રહેતાં હતાં, જેને જોઈને દરેક ભારતીયનું માથું શરમથી નમી જતું હતું.
વીડિયો સંદેશના અંતમાં ભાજપે કહ્યું હતું કે, આ કોંગ્રેસના ભ્રષ્ટાચારની માત્ર ઝાંખી જ છે. ફિલ્મ હજુ સમાપ્ત નથી થઈ, આગળ પણ આવશે.

કોંગ્રેસના ગોટાળાની યાદી જણાવી
ભાજપે વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના શાસનકાળમાં રૂ. 1.86 લાખ કરોડનું કોલસા કૌભાંડ રૂ. 1.76 લાખ કરોડનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, રૂ. 10 લાખ કરોડનું મનરેગા કૌભાંડ, 70 હજાર કરોડનું કોમનવેલ્થ કૌભાંડ, ઇટાલી ઓગસ્ટા કંપની સાથે હેલિકોપ્ટરની ખરીદીમાં રૂ. 362 કરોડની લાંચનું કૌભાંડ તેમજ રેલવે બોર્ડના ચેરમેન માટે રૂ. 12 કરોડની લાંચની ઘટના થઈ છે.

રકમ એટલી મોટી કે જીભ થોથવાઇ જાય
ભાજપે કોંગ્રેસ ફાઇલ્સ વીડિયો જારી કરતાં આરોપ લગાવ્યો હતો કે, યુપીએ સરકારનાં 10 વર્ષના શાસનકાળ દરમિયાન એટલો બધો ભ્રષ્ટાચાર થયો હતો કે એ તમામ રૂપિયા વિશે વાત કરીએ તો જીભ પણ થોથવાઈ જાય. ભાજપે વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસે જનતાની પરસેવાની કમાણીમાંથી 48 ટ્રિલિયન 20 અબજ અને 69 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter