કોંગ્રેસના ‘સાહુ’કાર સાંસદઃ બેનામી રોકડનો આંકડો 500 કરોડ પાર પહોંચે તો નવાઇ નહીં!

Saturday 16th December 2023 04:16 EST
 
 

રાંચી-ચાઇબાસા: કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને લિકર બેરન તરીકે ઓળખાતા ધીરજ સાહુના ત્રણ રાજ્યો ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલા કારોબારના 10 સ્થળોએ ચોથા દિવસે પણ ચલણી નોટોનો જંગી જથ્થો મળી આવ્યો હતો. મગળવાર સુધીમાં રોકડ ગણતરીનો આંકડો 351 કરોડનો આંક વટાવી ગયો છે, અને તમામ બેગની ગણતરી પૂરી થયે આંકડો 500 કરોડને આંબી જાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસની આ સૌથી મોટી ઇન્કમટેક્સ રેડ છે, જેમાં 351 કરોડની જંગી રોકડ મળી છે. અને આ આંકડો વધી જ રહ્યો છે.
ચલણી નોટોથી ભરેલી 176 બેગ ગણતરી માટે બોલાંગીર લઈ જવામાં આવી છે, જેમાંથી નોટો ભરેલી 130 બેગની ગણતરી બાકી છે. આટલું જ નહીં, આવકવેરા વિભાગે બોલાંગીરમાં શરાબ ઠેકાના મેનેજર બંટી સાહુના ઘરે દરોડા પાડીને ચલણી નોટોથી ભરેલી વધુ 20 બોરીઓ જપ્ત કરી હતી. જેમાં 100 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.
હવે લોકર અને બેન્ક ખાતાની તપાસ
રોકડની ગણતરી હજુ ચાલુ હોવાથી સાંસદ સાહુના બિઝનેસ અને પરિવાર સાથે જોડાયેલા બેન્ક લોકર અને ખાતાની તલાશી લેવામાં આવી નથી. તેની તપાસ હજુ બાકી છે. રોકડની ગણતરી પૂર્ણ થયા બાદ લોકરો ખોલાશે. અત્યાર સુધી શોધાયેલા તમામ બેન્ક ખાતાઓના વ્યવહારો તપાસવામાં આવશે.
નોટોની ગણતરીમાં રોકાયેલા સ્ટેટ બેન્કના મેનેજરે જણાવ્યું કે, ટિટિલાગઢમાં 15 મશીન વડે 30 કર્મચારીઓ નોટો ગણી રહ્યા છે. બોલાંગીરમાં 30 મશીનો કાર્યરત છે. સતત કામગીરીના લીધે મશીનો પણ ખરાબ થવા લાગ્યા છે. ઝારખંડમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ બનેલા ધીરજ સાહુ સાથે સંકળાયેલા 10થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે પાડેલા દરોડાની કામગીરી સાત દિવસ પછી પણ અવિરત ચાલુ છે.
આઈટી અધિકારીઓએ ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ધીરજ સાહુના ઘર અને કંપનીઓના સંકુલો પર ગયા બુધવારથી દરોડા પાડયા છે. ઓડિશાના બોલાંગીર ખાતે ધીરજ સાહુ સાથે સંકળાયેલી કંપનીના સંકુલમાં તિજોરીઓ ભરીને રોકડ મળી આવી છે. બિનસત્તાવાર અહેવાલ મુજબ, રકમનો આંકડો રૂ. 400 કરોડે તો અત્યારે જ પહોંચી ગયો છે. આઈટી વિભાગે ઓડિશાના બોલાંગીરમાં બૌધ ડિસ્ટિલરી પ્રા.લિ. વિરુદ્ધ 6 ડિસેમ્બરે દરોડો પાડી કાર્યવાહી શરૂ કરી હતી.
રાજકીય આક્ષેપ - પ્રતિ આક્ષેપ
ધીરજ પ્રસાદ સાહુના મામલે રાજકારણ ગરમાયું છે. ભાજપને ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પર હુમલો કરવાની તક મળી ગઈ છે જ્યારે કોંગ્રેસે ધીરજ સાહુ સાથે છેડો ફાડી નાંખ્યો છે. કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ જયરામ રમેશે ‘એક્સ’ પર પોસ્ટમાં જણાવ્યું કે સાંસદ ધીરજ સાહુના બિઝનેસ સાથે કોંગ્રેસને કોઈ લેવાદેવા નથી. તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમના સ્થળો પરથી આટલી જંગી સંખ્યામાં રોકડ કેવી રીતે મળી.
ત્રણ વખત રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ
સાહૂનો જન્મ 23 નવેમ્બર 1955ના દિવસે રાંચીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાયસાહેબ બલદેવ સાહૂ અને માતાનું નામ સુશીલાદેવી છે. તેઓ ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે. પહેલીવાર 2009માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા, તે પછી જુલાઈ 2010માં ઝારખંડમાંથી રાજ્યસભામાં ગયા. ત્રીજી વાર 2018માં પણ રાજ્યસભાના સાંસદપદે ચૂંટાયા હતા.
લક્ઝુરિયસ કારનું કલેક્શન
રાજ્યસભાની વેબસાઇટ પ્રમાણે, ધીરજ સાહુ એક વ્યાપારી કુટુંબમાંથી આવે છે. તેમના પિતા, અવિભાજિત બિહારના છોટા નાગપુરમાંથી આવ્યા છે. સ્વાતંત્ર્ય સંગ્રામના સમયથી જ તેમનું કુટુંબ કોંગ્રેસ સાથે જોડાયેલું છે. 2018માં રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેઓએ રજૂ કરેલાં સોગંદનામા પ્રમાણે, તેઓની સંપત્તિ 34.83 કરોડ રૂપિયા છે. તેઓની પાસે મોંઘી કારનું કલેકશન છે.
ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ
એક જમાનામાં સાહુ પરિવારનો એવો દબદબો હતો કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાહુ પરિવારના ઘરે રોકાતાં હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ પણ સાહુ પરિવારના નિવાસસ્થાને આવી ગયા હતા. એક સમયે સાહુના ભાઈ શિવપ્રસાદ સાહુની ભલામણ પ્રમાણે ટિકિટ વહેંચણીથી શરૂ કરી મંત્રીપદ સુધીના નિર્ણયો લેવાતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter