પ્રિયંકાના સક્રિય રાજકારણમાં પ્રવેશ સાથે નહેરુ-ગાંધી પરિવારના ૧૧મા સભ્યે રાજકારણમાં પદાર્પણ કર્યું છે. મોતીલાલ નેહરુ ૧૯૧૯-૨૦ અને ૧૯૨૮-૨૯ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૨૩માં જવાહરલાલ નેહરુ કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા અને દેશના પહેલા વડા પ્રધાનનો તાજ પણ જવાહરલાલ નેહરુનાં જ શિર પર મુકાયો હતો.
નેહરુ-પુત્રી ઇંદિરા ગાંધી લાંબા સમય સુધી કોંગ્રેસપ્રમુખ રહ્યાં. તેમના પતિ ફિરોઝ ગાંધી પણ રાયબરેલીના સાંસદ રહ્યા હતા. ૧૯૮૦ના દાયકામાં ઇંદિરાના પુત્ર સંજય ગાંધીની એન્ટ્રી રાજકારણમાં થઈ હતી. તેઓ અમેઠીથી સાંસદ ચૂંટાયા હતા.
સંજય ગાંધી અને ઇંદિરા ગાંધીનાં નિધન બાદ રાજીવ ગાંધી ૧૯૮૪માં વડા પ્રધાન બન્યા હતા. તે ઉપરાંત આ સમયગાળામાં મેનકા ગાંધી રાજકારણમાં ઝુકાવી ચૂક્યાં હતાં.
રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધીએ રાજકીય કદમ આગળ ધપાવ્યાં. તેમની અધ્યક્ષતામાં કોંગ્રેસે બે વાર કેન્દ્રમાં સરકારની રચના કરી, ત્યાં સુધીમાં મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધી રાજનીતિમાં પ્રવેશી ચૂક્યા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી અને હવે પ્રિયંકા ગાંધી રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવશે.
શું પ્રિયંકા બની શકશે ઇંદિરા?
• ૧૨ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ જન્મ.
• દિલ્હીની મોડર્ન સ્કૂલમાં શિક્ષણ, દિલ્હી યુનિવર્સિટીની જિસસ એન્ડ મેરી સ્કૂલમાંથી સાઇકોલોજીના સ્નાતક.
• રોબર્ટ વાડરા સાથે ૧૯૯૭માં લગ્ન.
• લગ્ન અત્યંત લો-પ્રોફાઇલ રખાયાં હતાં, ફક્ત ૧૫૦ મહેમાનને આમંત્રણ.
• પ્રિયંકા ગાંધી નિયમિત યોગ કરી ગુસ્સા વાળા સ્વભાવ પર કાબૂ રાખે છે.
• પ્રિયંકામાં દાદી ઇંદિરા ગાંધીની છબી, હેરસ્ટાઇલ, કપડાં અને વાકછટામાં ઇંદિરા ગાંધીની છાંટ.
• ફોટોગ્રાફી, રસોઈ બનાવવી, પુસ્તકો વાંચવાનો શોખ.
• પ્રિયંકા કુશળ મેનેજર છે, સોનિયા અને રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ માટે ચૂંટણી વ્યૂહરચના કરે છે.
• કુશળ વક્તા હોવાથી પ્રચાર અભિયાનમાં લોકોને પોતાની સાથે જોડવામાં સક્ષમ.
• ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરાવવામાં મજબૂત ભૂમિકા.


