નવી દિલ્હીઃ કોંગ્રેસને ત્રણ દિવસમાં સતત ત્રણ મોટા ઝાટકા લાગ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સી. આર. કેશવન શનિવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. એક મહિના પહેલા જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓએ કેસરીનો ખેસ પહેલી લીધો છે.
કોંગ્રેસ છોડતી વખતે કેશવને કહ્યું હતું કે હું કોંગ્રેસની કામગીરીથી ખુશ નથી. જેને પગલે મે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હતો. હું છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસનો હિસ્સો રહ્યો છું, જોકે સમય સાથે મને મહેસૂસ થયું કે કોંગ્રેસમાં રચનાત્મક કે મક્કમ કોઇ દ્રષ્ટિકોણ જ નથી. જે મૂલ્યો માટે મેં કોંગ્રેસ માટે કામ કર્યું તે મૂલ્યો હવે બદલાઇ ગયા છે. હું છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસનો હિસ્સો રહ્યો છું.
આગલા દિવસ શુક્રવારે અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તેઓ પણ લાંબા સમયથી કોંગ્રેસ છોડી ચુક્યા હતા. તેઓએ પણ ભાજપમાં સામેલ થતા જ કોંગ્રેસ પર આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ હતું.
આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ પણ ભાજપમાં જોડાયા હતા. તેમણે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, વી મુરલીધરણ, કેરળ ભાજપ પ્રમુખ કે સુરેંદ્રનની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. આમ ત્રણ દિવસમાં કોંગ્રેસને સતત ત્રણ મોટા રાજકીય ઝાટકા લાગ્યા છે.


