કોંગ્રેસનો અસંતોષ વિસ્તર્યોઃ શંકરસિંહ, મણિશંકર પણ G-23 સાથે

Friday 25th March 2022 05:02 EDT
 
 

નવી દિલ્હી: પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શનને કારણે કેટલાક નેતાઓએ પક્ષની નેતાગિરી પર દબાણ વધાર્યું છે ત્યારે અસંતુષ્ટ જૂથ ગણાતા જી-23 જૂથના નેતાઓએ 16 માર્ચે ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને બેઠક કરી હતી. તેમણે જૂથની ભાવિ વ્યૂહરચના અને ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયની પણ ચર્ચા કરી હતી. અગાઉ જી-23 જૂથે કપિલ સિબ્બલના રહેઠાણ પર સાંજના ભોજનની યોજના ઘડી હતી, પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો.
આ બેઠકમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનિષ તિવારી, શશી થરુર અને સંદીપ દિક્ષિતે હાજરી આપી હતી. આ વખતે જી-23 જૂથના વ્યાપમાં વધારો થયો હતો. બેઠકમાં પટિયાલાના સાંસદ પ્રણિત કૌર, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયર અને હરિયાણાના ભૂતપૂર્વ સ્પીકર કુલદીપ શર્મા પણ હાજર રહ્યા હતા.
રવિવારે કોંગ્રેસની કાર્યકારી સમિતિની મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ચર્ચા કરવા જી-23 જૂથની બેઠક બોલાવાઈ હતી. ઉલ્લેખનીય જી-23 જૂથ ઘણા સમયથી કોંગ્રેસમાં મોટા માળખાકીય ફેરફારની માંગણી કરી રહ્યું છે.
ઘીના ઠામમાં ઘી ઢળ્યું
બગાવતી કોંગ્રેસ નેતાઓના જી-૨૩ ગ્રૂપે આગળ વધવું હોય તો દરેક સ્તરે સર્વસમાવેશી પદ્ધતિ અપનાવવા કોંગ્રેસ પક્ષને આગ્રહ કર્યો તેના બીજા જ દિવસે પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીએ જી-૨૩ના નેતા ગુલામનબી આઝાદ સાથે એક કલાક મુલાકાત કરી હતી. મુલાકાત પછી આઝાદે કહ્યું કે હાલ સોનિયા ગાંધીના પ્રમુખપદ સામે કોઈ જ સવાલ નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં પ્રમુખપદ માટે ચૂંટણી કરાવશે. વિપક્ષોને હરાવવા એકજૂથ બની લડવા અંગે ચર્ચા થઈ છે. હારના કારણો અંગે પણ ચર્ચા થઈ. જાણવા મળે છે કે ખાડે ગયેલા કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડને બેઠું કરવા અને સર્વસંમતિથી નિર્ણયો કરવા રજૂઆત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter