નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિનો દાવો છે કે પક્ષે છત્તીસગઢમાં જે લઘુતમ આવક ગેરંટી યોજનાની જાહેરાત કરી છે તેનાથી ત્રણ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક રૂ. એક લાખ રૂપિયાની ગેરંટેડ આવક થશે. સત્તા પર આવ્યા બાદ કોંગ્રેસ આ યોજનાને ૧૦૦ દિવસમાં લાગુ કરશે. યોજના પાછળ વાર્ષિક અંદાજે રૂ. ૪ લાખ કરોડ ખર્ચાશે.
રૂ. એક લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા ગરીબ પરિવારોને આ યોજના હેઠળ આવરી લેવાશે. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ ગરીબ પરિવારો એટલે કે અંદાજે ૧૫ કરોડ લોકોને યોજનાનો લાભ મળશે. તેમની આવકનું આકલન કરાશે. આવક એક લાખ રૂ.ની જેટલી ઓછી હશે તેટલી રકમ સરકાર ચૂકવશે. સમિતિના સભ્યોએ કહ્યું કે ચેલ્લા ૪ વર્ષથી રોજગારી દરમાં ઘટાડો, કૃષિ સંકટ અને નોટબંધીના કારણે આવકમાં ઘટાડો નોંધાયો છે. તાજેતરનાં આર્થિક સર્વેક્ષણો મુજબ દેશના સૌથી ગરીબ ૧૦ ટકા પરિવારની સરેરાશ વાર્ષિક આવક ૬૦ હજાર રૂ. અને ૨૦ ટકા પરિવારોની સરારેશ વાર્ષિક આવક ૭૫ હજાર રૂ.થી ઓછી છે. અન્ય ૧૦ ટકા પરિવારોની સરેરાશ વાર્ષિક આવક ૧.૦૫ લાખ રૂ. છે.
બે વર્ષથી વિચારણાઃ ચિદમ્બરમ
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિના વડા અને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે યુનિવર્સલ બેઝિક ઇન્કમના સિદ્ધાંત પર બે વર્ષથી વિચારણા ચાલુ હતી. હવે આપણા સ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે આ સિદ્ધાંત લાગુ કરવાનો સમય આવી ગયો છે. યોજનાનું વિસ્તૃત માળખું પક્ષના ચૂંટણી ઢંઢેરામાં અપાશે.


